અમદાવાદ : 4 મે ,2022 : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી જનસમુદાયમાં વિજ્ઞાનના પ્રચાર -પ્રસાર માટે કટિબદ્ધ છે. વિજ્ઞાન અને ટેકનૉલોજી થકી વિવિધ સમસ્યાઓના સમાધાન અને નિરાકરણ દ્વારા સામુચિક જીવન માટે ભાવિ પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપવા સાયન્સ સિટી દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત સાયન્સ સિટી ખાતે 5 મે 2022 થી 5 જૂન દરમિયાન સમર સાયન્સ આઉટરીચ કેમ્પ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. ગરમીઓની રજાઓમાં ક્લાસરૂમની બહાર મનોરંજન સાથે જ્ઞાનથી ભરપૂર સમર સાયન્સ કેમ્પમાં વિવિધ વયજુથના બાળકો માટે ઈંટરેક્ટિવ સેશન્સ, વિવિધ પ્રવૃતિઓ અને, હેંડ્સ ઓન એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું છે.
હેંડ્સ ઓન વર્કશોપ્સમાં વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા છે જેમકે રોબોટિક્સ ચેમ્પિયન મોડ્યુલસ, પ્લાન્ટ ટીશ્યુ કલ્ચર, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી, ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ ડિઝાઇન, સાયન્સ જર્નાલીઝમ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ટેકનૉલોજી, વેસ્ટ ટુ બેસ્ટ, ટેલિસ્કોપ મેકિંગ, કેમિસ્ટ્રી ડેમોન્સ્ટ્રેશન, બટરફલાય લાઈફ સાઇકલ, કોમ્પ્યુટર ગેમ મેકિંગ ટૂલ્સ, મેથેમેટિક, ફિઝીક્સ, બોટની વગેરે.
વિજ્ઞાન ક્ષેત્રે મહત્વની ઘટનાઓ અને દિવસોની ઉજવણી અંતર્ગત સાયન્સ એન્ડ ટેક્નોલૉજી પર ડિબેટ અને નિબંધ સ્પર્ધા, ઈંટરેક્ટિવ સેશન્સ, ક્વિઝ, વકૃત્વ સ્પર્ધા, પેઇન્ટિંગ અને ડેમો લેક્ચર્સ જેવા વિવિધ કાર્યક્રમોનો પણ સમાવેશ છે.
આ ઉપરાંત નાગરિકો માટે પોપ્યુલર સાયન્સ સીરિઝ, એલઇડી સ્ક્રીન પર સાયન્સ ફિલ્મ, આકાશદર્શન જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સમર આઉટરીચ કેમ્પ 2022માં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.