આત્મનિર્ભર થવા માંગતી શહેરી-નારીઓ માટે યુવાને એપ તૈયાર કરી

અમદાવાદઃ ગ્રામ્ય વિસ્તારની બહેનો, આદિવાસી વિસ્તારની બહેનોને એમની હસ્તકલાને લોકો સુધી પહોંચાડવા સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયત્નો થતા રહે છે. મેળા, મહોત્સવ, એક્ઝિબિશન દ્વારા બહેનોની બનાવેલી વસ્તુઓ વેચાય અને તેઓ સ્વનિર્ભર થાય એવા સતત પ્રયાસ થાય છે. પરંતુ ભારતમાં વધતા જતા શહેરીકરણ અને એમાં રહેતી હજારો બહેનો પોતાની બનાવેલી ચીજવસ્તુઓને વેચવા માટે યોગ્ય પ્લેટફોર્મ શોધી રહી છે. પૈસાના અભાવને કારણે તેઓ શોરૂમ કરી શકતી નથી. ટેકનોલોજી દ્વારા કેવી રીતે લોકો સુધી પોતાની પ્રોડક્ટ પહોંચાડી શકાય એનું જ્ઞાન પણ એમને ન હોય. પરિણામે અદભુત પ્રોડક્ટ્સ લોકો સુધી પહોંચે નહીં અને એવી મહિલાઓને નફો મળવાનું તો દૂર રહ્યું, ઉલટાનું, નુકસાન વેઠવું પડે છે. એટલે જ ખાસ અર્બન વિસ્તારોની બહેનો માટે અમદાવાદના યુવાન અનુશિલ સુતરિયાએ એક એપ તૈયાર કરી છે.

અનુશિલ સુતરિયા આમ તો મિકેનિકલ એન્જિનીયર છે. પણ વીસ વર્ષ કરતાં વધારે સમયથી બુટિક ચલાવતી પોતાની માતાને પડતી તકલીફ એમણે જોઇ હતી. ઉત્તમ વસ્તુઓ હોવા છતાં શોપ, એક્ઝિબિશન અને અન્ય વેચાણ કેન્દ્રો પર મોળો પ્રતિસાદ મળતો. કેટલીક વાર ભાડાની રકમ પણ ન નીકળે. એવા સંજોગોને યાદ કરતાં અનુશિલ ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, ‘મિકેનિકલ એન્જિનીયર હોવા છતાં મેં આઇ.ટી. ફિલ્ડ પસંદ કર્યું. ઇન્ટરનેટ માધ્યમ અને અન્ય નિષ્ણાત પાસે આઇ.ટી.ની તાલીમ લઇ એપ તૈયાર કરી. જેનો મુખ્ય હેતુ છે અર્બન મહિલાઓએ તૈયાર કરેલી ચીજવસ્તુઓને માર્કેટ પૂરી પાડવી. જેથી GDPમાં વધારો થાય, ભારતના અર્થતંત્રના વિકાસમાં મહિલાઓનું યોગદાન વધે.’

અનુશિલ વધુમાં કહે છે, ‘અમદાવાદ શહેરથી શરૂ કરી દેશના વિવિધ રાજ્યોની બહેનોએ મારી તૈયાર કરેલી એપ DZORE માં પોતાની ચીજવસ્તુઓ વેચાણ માટે મુકી છે. આત્મનિર્ભર થવા માંગતી હાલની અર્બન નારીએ તૈયાર કરેલી ચીજવસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચે એ જ મારો ધ્યેય છે.’

(પ્રજ્ઞેશ વ્યાસ)