ગાંધીનગરઃ ગઈકાલથી ચાલી રહેલું બીનસચિવાલય પરીક્ષા રદ્દ કરવાનું વિદ્યાર્થીઓનું આંદોલન વધુને વધુ મજબૂત બની રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓની મહેતન આખરે રંગ લાવી છે. વિદ્યાર્થીઓના વિરોધ સામે આખરે સરકારને ઝૂકવુ પડ્યું હતું. રૂપાણી સરકારે પરીક્ષાર્થી નેતાઓના પ્રતિનિધિ મંડળને મંત્રણા માટે આમંત્રણ આપ્યું હતું. જેના બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જિલ્લા કલેક્ટરને મળ્યા હતા. ત્યારે હવે બિનસચિવાલય પરીક્ષા મામલે એસઆઈટીની રચના કરવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓને આ આંદોલનમાં શંકરસિંહ વાઘેલાનું સમર્થન મળ્યું હતું. હાલ શંકરસિંહ વાઘેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં પહોંચી ગયા હતા. આજે શંકરસિંહ વાઘેલા ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે આંદોલન કરી રહેલા બિન સચિવાલયની પરીક્ષાના ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે હજારો વિદ્યાર્થીઓની સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમને ઉમેદવારોની વાત સાંભળી હતી.
શંકરસિંહ વાઘેલાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, હું સરકારને પરીક્ષા રદ કરવા ભલામણ કરીશ. સરકારે પણ ‘યુવાનોની ચિંતા કરીને માતા પિતાની ભૂમિકા ભજવવી પડે. વિદ્યાર્થીઓને બોલાવીને તેમની વાત સાંભળવી જોઈએ. હું આજે CM અને રાજ્યપાલને વાત કરીશ. હું આંદોલનકારીઓની સાથે છું અને તેમની લડતમાં ભાગીદાર છું.
આંદોલનકારીઓએ રજૂઆત કરી હતી કે અમે પુરાવા રજૂ કર્યા છતાં પણ સરકાર અમારી વાત સાંભળતી નથી. જેના જવાબમાં તેમણે કહ્યું કે, સરકારે આંદોલનકારીઓની વાતને સાંભળવી જોઇએ. આજે હું ગર્વનરને ફોન કરીશ અને રજૂઆત કરીશ કે જો થઇ શકે તો આ પરીક્ષાને રદ કરવામાં આવે.