વિવાદના કારણે બંધ થયેલી ડીપીએસ સ્કૂલ ફરી શરુ થઈ

અમદાવાદઃ નિત્યાનંદ વિવાદને કારણે ડીપીએસ સ્કૂલના સંચાલકોએ સ્કૂલને તાળા લગાવી દીધા હતા. પરંતુ વાલીઓની મહેનત રંગ લાવી હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રયાસોને કારણે અનેક વિવાદોમાં આવ્યા બાદ DPS ફરીથી શરૂ થઈ છે. 800 જેટલા વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખતા સ્કૂલ ફરી શરૂ કરવાનો CBSE દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી આજે શોર્ટ વેકેશન બાદ સ્કૂલ આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વાલીઓએ ડીપીએસના ગેટ પર લીલા તોરણ બાંધ્યા હતા, તો એકબીજાને મીઠાઈ ખવડાવવામાં આવી હતી.રાજ્ય સરકારે DPS સ્કૂલને દત્તક લીધી છે. હવે ધો.1થી 12નું સંચાલન અને વહીવટ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

સ્કૂલ ફરીથી શરૂ થતા મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને મૂકવા માટે સ્કૂલમાં આવ્યા હતા. વાલીઓએ સ્કૂલના ગેટ પાસે લીલા તોરણ બાંધ્યા હતા. આ શુભ ઘડીએ વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવીને સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા. તો વાલીઓએ આનંદમાં એકબીજાને મીઠાઈઓ ખવડાવી હતી. આમ, લાંબી લડત બાદ આખરે કેમ્પસમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની ચહેલપહેલ જોવા મળી હતી. તો સાથે જ કેમ્પસમાં સ્કૂલ બસનો ધમધમાટ શરૂ થયો હતો.

તો બીજી તરફ, વાલીઓએ પ્રિન્સીપાલ હિતેશ પૂરીનો પણ આભાર માન્યો હતો. તેઓને હાર પહેરાવી મોઢુ મીઠુ કરાવવામાં આવ્યું હતું. સ્કૂલ શરૂ થતા જ DPEO અને DEO કચેરીના અધિકારીઓની ટીમો DPS સ્કૂલે પહોંચી હતી. DPS સરકાર હસ્તક લીધા બાદ DPSનો વહીવટ હસ્તગત કરવાની સરકારી પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે.