જિદ્દી CM મોરબી-દુર્ઘટનાની ન્યાયિક તપાસ નહીં કરાવેઃ ગહેલોત

અમદાવાદઃ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અને રાજ્યના ચૂંટણીમાં કોંગ્રેસના સિનિયર નિરીક્ષક અશોક ગહેલોતે રાજ્યના મુખ્ય પ્રધાનને જિદ્દી મુખ્ય પ્રધાન ગણાવ્યા હતા. કોંગ્રેસ સહિત બધા મોરબી દુર્ઘટનાની ન્યાયિક તપાસની માગ કરી રહ્યા છે, પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના નેતા તપાસ માટે તૈયાર નથી.  

મોરબી દુર્ઘટના કોંગ્રેસે ગુજરાત ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો બનાવ્યો છે. ગહેલોત રાજ્યમાં ચૂંટણી પ્રવાસની આડમાં ભાજપને ઘેરવાના પ્રયાસ કરે છે. ગહેલોત મોરબી દુર્ઘટનાની સતત માગ કરી રહ્યા છે. હાઇકોર્ટના સિટિંગ જજ અથવા નિવૃત્ત જજથી તપાસ કરાવવામાં શી મુશ્કેલી છે? કોરોના કાળમાં ગુજરાતની સૌથી ખરાબ હાલતની સાથે-સાથે મોરબી દુર્ઘટના એક મોટો મુદ્દો બની ગયો છે. ભાજપના કુશાસનથી ગુજરાતીઓ વધુ પરેશાન છે, જેથી આ વખતે ગુજરાતના લોકો પરિવર્તન ઝંખે છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે અમારે ત્યાં આવા કેસોમાં પંચ બને છે. અહેવાલ અપાય છે. દોષિતોને સજા મળે છે. લોકો જેલમાં જઈ રહ્યા છે. આગળ એવી ઘટનાઓ નહીં ઘટે. – આ જ તો છે પંચનો અર્થ. પણ અહીંની રાજ્ય સરકાર એ પણ નથી કરી રહી. રાજ્યની સરકારે લોકોને કોરોનામાં ખુવાર કર્યા છે. રાજ્યમાં બેરોજગારી છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીતનો દાવો કરતાં કહ્યું હતું કે બંને રાજ્યોમાં ભાજપવિરોધી લહેર ચાલી રહી છે.