રાજ્યમાં સતત વધી રહેલા રોડ અકસ્માતોને રોકવા માટે અને લોકોમાં ટ્રાફિક અવરનેસ આવે તે માટે મંગળવારે શૉર્ટ ફિલ્મ સ્પર્ધાનાં સત્કાર સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ટ્રાફિક વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લીધેલા સ્પર્ધકો પૈકી પ્રથમ 10 ક્રમાંકની શોર્ટ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે અનુક્રમે પ્રદીપભાઈ વાઘેલા, શૈલેષ બોઘાની, અને વિપુલ શાહ વિજેતા બન્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદ CP અને DGP ને કડક આદેશ કરતાં કહ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ એફઆઇઆર દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો.
આ દરમિયાન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કડક આદેશ આપતાં કહ્યું હતું કે બેફામ ગતિએ વાહન હંકાવનાર અને રોંગ સાઇડમાં વાહન ચલાવનાર સામે એફ.આઇ.આર દાખલ થશે. સિગ્નલનો ભંગ કરનાર અને રોંગ સાઇડમાં વાહન ચલાવનાર દંડ ફટકારશો નહી. ટ્રાફીકના નિયમોનો ભંગ કરનારને ચલણ પકડાવી દેવાના બદલે સીધા જેલ હવાલે કરો અને આવા લોકોને સ્લેટ પકડાવી ફોટા પડાવવા માટે અમદાવાદ CP અને DGP ને વધુ કડક થવા આદેશ કર્યો હતો. એટલે હવેથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર અને રોંગ સાઇડમાં વાહન ચલાવનારાઓની ખૈર નથી. જો ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો જેલયાત્રા કરવાનો વારો આવી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી વડોદરામાં રોંગ સાઇડમાં વાહન ચલાવવાની ઘટનાઓ સામે આવી છે. વડોદરાના અનેક વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવતો હોય અને બેફામ પૂરપાટ ઝડપે ગાડીઓ દોડાવવામાં આવી રહી છે. ત્યારે હવે ઓવરસ્પીડ અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ મોટી મુશ્કેલીમાં મુકાઇ શકે એમ છે.