રાજ્યમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે લેવાયાં કડક પગલાં, 8 એકમો કર્યાં બંધ

ગાંધીનગર– ઔદ્યોગિક વસાહતોથી ઉત્પન્ન થતાં વાયુ પ્રદૂષણ માટે સરકાર ગંભીર બની છે, અને પ્રદૂષણ ફેલાવતા એકમોને નિયમોનુસાર નોટિસ આપી પગલા લેવામાં આવ્યાં હોવાની માહિતી સરકારે વિધાનસભા ગૃહ સમક્ષ મૂકી હતી.

 

પર્યાવરણ રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં વટવા ઔદ્યોગિક વસાહતો દ્વારા છોડાતા વાયુ અને ઝેરી કચરાના નિકાલ અંતર્ગત 8 જેટલા ઔદ્યોગિક એકમો બંધ કરવાના હુકમો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 29 એકમોને નોટિસ આપવામાં આવી છે. સાથોસાથ જોખમી અને અન્ય કચરાઓના નિકાલના નિયમોના ભંગ માટે 6 એકમોને પર્યાવરણ સુરક્ષા નિયમો હેઠળ નોટિસ પાઠવવામાં આવી છે.

હવાના પ્રદૂષણને નાથવા 1.19 કરોડના ખર્ચે સીસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેમાં એક કિલોમીટરના વિસ્તારમાં થતાં હવા પ્રદૂષણની માહિતી સરળતાથી મળી રહી છે. અને આ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે પગલાં લેવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે, અગાઉ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પ્રદૂષણ નિયંત્રણ માટે કરેલી કામગીરી બાબતે અનેક રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મળ્યા છે.