દ્વારકામાં વરસાદની તોફાની બેટિંગ..

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પગલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદે ગઈકાલથી પોરબંદર અને દ્વારકા પર વરસવાનું શરૂ કર્યું છે. જેને જોઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ભારે વરસાદથી પોરબંદર અને દ્વારકામાં ભારે તારાજીના દ્વષ્યો સર્જાયા છે. પોરબંદર બાદ દ્વારકામાં ગઈકાલે બપોર બાદ ચાર કલાકમાં 14 ઇંચ વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ ગતરાત્રિના અને આજે બપોરે તારીખ 20 ના બપોરના 12:00 વાગ્યા સુધીમાં ભારેથી અતિભારે વરસાદ યાત્રાધામ દ્વારકામાં વરસી રહ્યો છે. આજે સાતથી આઠ ઈંચ વરસાદ ખાબક્યો હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. છેલ્લા 30 કલાકમાં 22 ઇંચ વરસાદથી દ્વારકા જળબંબાકાર બની ગયું છે.

આમ ગઈકાલ બપોરે ત્રણ વાગે શરૂ થયેલા વરસાદથી દ્વારકા શહેરના 40,000 રહેવાસીઓનું જનજીવન ખોરવાઈ ગયુ છે.  સમગ્ર શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા માર્ગોમાં કેડસમા પાણી ફરી વળ્યા છે. ત્યારે દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે શિક્ષણ તંત્ર દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આજરોજ સવારે રજા જાહેર કરી દેવામાં આવી હતી.

આજે સવારથી પાણી ભરાઈ જવાથી દ્વારકાનો ભદ્રકાલી ચોકમાં આવેલી વિવિધ બેંકોમાં પાણી ઘૂસી ગયા છે.  દ્વારકાના માર્ગો પર કેડસમા પાણી ભરાઈ જવાથી લોકોના ઘર અને દુકાનોમાં પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે જગત પિતા દ્વારાકાધીશની અડધી કાઠીએ જ ધજાજી ફરકાવવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 18 ઇંચ જેટલો વરસાદ કલ્યાણપુર તાલુકામાં નોંધાયો છે. જેના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદના લીધે અનેક ગામોના માર્ગ બંધ થઇ જતાં સંપર્ક વિહોણા બની ગયા છે.