ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યા બાદ દેશભરમાં ભવ્ય ઉજવણી થઈ. અમદાવાદમાં પણ લોકોની ઉત્સાહભરી ઉજવણી જોવા મળી, પરંતુ આ દરમિયાન અનુપમ ત્રણ રસ્તા નજીક પથ્થરમારાની ઘટના સામે આવી.
રવિવારે (23મી ફેબ્રુઆરી) ભારતના વિજય બાદ કેટલાક યુવાનો રસ્તા પર ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવાન પર ફટાકડાનો તણખલો પડતા ત્યાં તણાવ ઊભો થયો. બોલાચાલી બાદ, બે જૂથો વચ્ચે ઝપાઝપી થઈ અને સ્થિતિ વધુ તંગ બનતા 15થી વધુ યુવકો એકત્ર થયા અને ફટાકડા ફોડતા યુવકો પર પથ્થરમારો કર્યો.
આ ઘટનામાં એક યુવકને ઇજા થતાં તાત્કાલિક તેને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને પરિસ્થિતિ સંભાળી. પોલીસે તપાસ શરૂ કરી અને ક્રોસ ફરિયાદ નોંધતા 7 લોકોને અટકમાં લેવામાં આવ્યા.
