અમદાવાદમાં મુસાફરોની પાંખી હાજરી વચ્ચે ST, BRTS શરૂ

અમદાવાદઃ લૉકડાઉન બાદ રાજ્યને અનલૉક કરવાની કવાયત શરુ થઇ ગઇ છે. સરકારે લૉકડાઉન 4 બાદ ઘણીબધી છુટછાટો આપી જેમાં એસ.ટી. બસો, બી.આર.ટી.એસ.નો પણ સમાવેશ થાય છે. 1 જુન, સોમવારની સવારથી જ અમદાવાદ શહેરના માર્ગો પર બી.આર.ટી.એસ બસો તેમજ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એસ.ટી.ની બસો જોવા મળી હતી. જો કે મહત્વની વાત એ છે કે, આજે તો બીઆરટીએસ બસો સાવ ખાલી દોડી રહી હતી અને તેમાં એકપણ પેસેન્જર પ્રવાસ કરી રહ્યા નહોતા.

અમદાવાદના રાણીપ એસ.ટી ડેપોમાં પ્રવેશતા મુસાફરો તેમજ સ્ટાફને ટેમ્પરેચર ચેક કરી પ્રવેશ આપવામાં આવ્યો. આજ રીતે બી.આર.ટી.એસ માં પણ સ્વચ્છતા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બસોમાં સ્ટીકર ચોંટાડી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનો પ્રયત્ન કરાયો છે.

બસોને સેનિટાઇઝેશન કરવામાં આવી અને સ્ટીકર જેવા માધ્યમથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી બી.આર.ટી.એસ શરુ તો કરાઇ છે, પણ નહીવત લોકો મુસાફરી કરી રહ્યા છે. આવી જ સ્થિતિ પહેલા દિવસે એસ.ટી.ની જોવા મળી, ધણી બસો સાવ ખાલીખમ માર્ગો પર દોડી. કેટલીક બસોમાં લાંબા રુટમાં પણ ફક્ત એક બે પ્રવાસી જ જોવા મળ્યા હતા. એસ.ટી. બસોમાં નક્કી કરેલા ડેપો થી જ ઉપડી હતી. આ સાથે ડેપો પર પણ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)