સરકારે મંજૂર કરી સેટલમેન્ટ યોજના, 6 લાખ ખેડૂતોને થશે ફાયદો…

ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે કાર્ય કરતી ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકને સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા સેટલમેન્ટ (તડજોડ) યોજનાની મંજૂરી આપવામાં આવેલ છે. ત્યારે આ નિર્ણયથી બેંકના ૬ લાખથી વધુ ખેડૂત સભાસદોનો આ યોજનાનો લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોમાં પણ સરકાર દ્વારા વનટાઇમ સેટલમેન્ટ યોજનાની મંજૂરી આપવામાં આવી હતી અને ખેતી બેંકના ખાતેદારોએ તે યોજનાને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો અને તે યોજનાનો લાભ લઇને તેઓનું મુદત વીતી ઋણ ચૂકવીને આર્થિક રીતે સદ્ધર થયાં છે.

આ યોજનાની મુદત એક વર્ષ અગાઉ પૂર્ણ થઈ હોવાથી ખેડૂતો દ્વારા તેઓને વ્યાજમાં રાહત મળે તે માટે બેંકની તાલુકા મથકે આવેલી શાખાઓમાં આવી યોજના ફરીથી શરૂ કરવા રજુઆત કરવામાં આવી હતી. રાજ્યના તાલુકાઓમાંથી અવારનવાર થયેલી રજુઆતને અનુલક્ષીને બેંક દ્વારા વર્ષ ૨૦૧૨ પહેલાંના તમામ મુદતવીતી બાકીદારો માટે સેટલમેન્ટ યોજનાની મંજૂરી માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. જેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

આ યોજનામાં બાકીદારની મુદતવીતી રકમ ઉપર ચડેલ મુદત વ્યાજ તથા દંડનીય વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે . જેથી બાકીદારોને માત્ર સાદું વ્યાજ અને મુદલ રકમ ભરપાઇ કરીને લોન ખાતું ચૂક્તે કરવાની તક મળી રહે છે. આ પ્રકારની લોન ભરપાઇ કર્યા બાદ નવું ધીરાણ પણ મળી જાય છે. આ યોજનાનો લાભ લેવા માટે બાકીદારોએ તાલુકા મથકે આવેલ બેંકની શાખાનો રૂબરૂ સંપર્ક કરી અરજી આપવાની રહેશે. યોજનાની મુદત પૂર્ણ થયા બાદ જમીન હરાજી સહિતના કડક પગલાં બેંક દ્વારા લેવામાં આવશે. બેંકની વેબસાઇટ www.khetibank.org ઉપરથી પણ આ યોજના વિશેની વિસ્તૃત જાણકારી મળી રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]