રાજ્ય ‘મિની ઓલિમ્પિક’ યોજવા માટે સંપૂર્ણ સજ્જ

અમદાવાદઃ ગુજરાત આ વખતે નેશનલ ગેમ્સનું આયોજન કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. આ 36મી નેશનલ ગેમ્સનું આયોજન રાજ્યનાં છ શહેરોમાં કરવામાં આવશે. દેશમાં નેશનલ ગેમ્સનું આયોજન સાત વર્ષ બાદ થઈ રહ્યું છે. 36મા નેશનલ ગેમ્સનું પહેલું યજમાન શહેર સુરત છે. 29 સપ્ટેમ્બરે ટેબલ ટેનિસ સાથે નેશનલ ગેમ્સનો પ્રારંભ થશે. આ સ્પર્ધા નવ દિવસ ચાલશે.

રાજ્યમાં 36મી નેશનલ ગેમ્સમાં 36 જેટલી અલગ-અલગ રમતોમાં રમતવીરો પોતાનું કૌશલ્ય દર્શાવશે. 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી આ રમતગમતની સ્પર્ધા યોજાશે. જેમાં 4000 જેટલા અધિકારીઓની ફરજ બજાવશે અને આ ગેમ્સમાં 7000 જેટલા ખેલાડીઓ ભાગ લેશે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડા પ્રધાનને હસ્તે નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરવામાં આવશે. શહેરના સ્થાનિક સ્તરના ખેલાડીઓ તથા રમત મંડળોના સભ્યો આ સમારોહમાં હાજર રહેશે. 36મી નેશનલ ગેમ્સના ઉદઘાટન સમારંભમાં કુલ 54 સંસ્થાઓના 80 પ્રતિનિધિઓ હાજર રહેશે.

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં યોજાનારા 36મા નેશનલ ગેમ્સની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે તેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ સ્પોર્ટ્સ એસોસિયેશન, સ્પોર્ટ્સ કલબ અને સ્પોર્ટ્સ એકેડમીના હોદ્દેદારો તથા પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. નેશનલ ગેમ્સ અમદાવાદનાં આઠ સ્થળોએ રમાવાની છે ત્યારે આ આયોજનના ભાગરૂપે અમદાવાદની તમામ સ્પોર્ટસ એસોસિયેશન ક્લબ અને એકેડમીના ખેલાડીઓ તથા સભ્યો -અંદાજે 1000થી વધારે યુવા ખેલાડીઓ વોલેન્ટિયર તરીકે જોડાશે. 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]