ગાંધીનગર- માર્ચ-2018માં લેવાયેલી એસએસસી પરીક્ષા દરમિયાન સામૂહિક નકલખોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલના કવાલી પરીક્ષા કેન્દ્રમાંથી પરીક્ષા આપનાર 96 પરીક્ષાર્થીઓ દ્વારા સંભવતઃ કરાયેલી સામૂહિક નકલખોરીના કિસ્સામાં શંકાસ્પદ વિદ્યાર્થીઓને બોર્ડ સમક્ષ સુનાવણી માટે બોલાવવામાં આવ્યાં હતાં.
દસમા ધોરણના અંગ્રેજીના પેપરમાં માય બેસ્ટ ફ્રેન્ડ વિષય પર નિબંધ પૂછવામાં આવ્યો હતો. જેમાં 96 પરીક્ષાર્થીઓએ વિક્રમ નામના બેસ્ટ ફ્રેન્ડ પર નિબંધ લખી નાંખ્યો. બોર્ડને કુલ 240 પરીક્ષાર્થીઓ પર શક થયો હતો અને તેમની ઉત્તરવહીઓને જુદી રાખવામાં આવી હતી. પંચમહાલના કવાલી કેન્દ્રના 96 પરીક્ષાર્થીઓની ઉત્તરવહીઓ એકસરખી મળી હતી. બધાંએ વિક્રમ નામનો ઉલ્લેખ કર્યો હતો જે ટેનિસ રમે છે અને બધાં 96 પરીક્ષાર્થીઓને બેસ્ટ ફ્રેન્ડ પણ છે. ઉત્તરવહીઓની સમાનતા જોતાં બોર્ડનું માનવું છે કે ક્યાં તો શિક્ષકે બધાંને લખાવ્યું હોય અથવા તો કોઇ એક ઉત્તરવહીમાંથી બધાંએ નકલ કરી હોય.
આ શંકાની સ્પષ્ટતા મેળવવા માટે 96 પરીક્ષાર્થીઓને ગાંધીનગર શિક્ષણ બોર્ડની કચેરીમાં બોલાવવામાં આવ્યાં હતાં. તેમાંના મોટાભાગના પરીક્ષાર્થીઓ અંગ્રેજીમાં માય બેસ્ટ ફ્રેન્ડનો સ્પેલિંગ સુદ્ધાં લખી શક્યાં ન હતાં, તો કેટલાક પોતાના નામ પણ લખી શકતાં ન હતાં. આ પરીક્ષાર્થીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.