બોટાદ રેલવે લાઈન પરના 16 ફાટકને અંડરપાસ બનાવાશે

અમદાવાદ: શહેરને રેલવે ફાટકમુક્ત બનાવવાની ઝૂંબેશ અંતર્ગત રેલવે સત્તાવાળાઓ દ્વારા હાલમાં અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પરના આશરે 32 ફાટકમાંથી 14 જગ્યાએ અંડરપાસ બનાવવામાં આવશે. ત્રણ ફાટક પર આ કામગીરીનો પ્રારંભ પણ થઇ ચૂક્યો છે. કોર્પોરેશન અને રેલવે તંત્ર દ્વારા આ સંયુક્ત કામગીરી હાથ ધરાઇ છે. બે ફાટક પર કોર્પોરેશન અને મેગા કંપની અંડરપાસ બનાવશે.રેલવે તંત્ર દ્વારા અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. તમામ ફાટકો પૈકી ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પાસેનું મીઠાખળી રેલવે ફાટક સહિત બે રેલવે ફાટકને કાયમ માટે બંધ કરવા તેમ જ રેલવે ઓવરબ્રિજ કે અંડરપાસ સિવાયના બાકીનાં ૧16 રેલવે ફાટક પૈકી 14 રેલવે ફાટક પર રેલવે અંડરપાસ બનાવશે.

શહેરની મધ્યેથી પસાર થતી અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ ટ્રેનોની સંખ્યા અને ફિક્વન્સીમાં વધારો થવાનો છે જેને કારણે તમામ રેલવે ફાટકને કાયમી બંધ કરવાની દિશામાં આયોજન કરાયું હતું. પરંતુ ફાટકો બંધ કરાય તો શહેરનો ટ્રાફિક બે ભાગમાં વહેંચાઇ જાય અને હજારો વાહનચાલકો પારાવાર મુશ્કેલીમાં ન મુકાઇ જાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે તંત્ર વચ્ચે સતત વિચારવિમર્શ બાદ સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટમાં રેલવે તંત્ર અંડરપાસના મુખ્ય ભાગ એટલે કે બોક્સને પોતાના ખર્ચે તૈયાર કરશે જ્યારે તેની બાજુ પર આવેલા એપ્રોચ રોડને કોર્પોરેશનના ખર્ચે બનાવવાનો નિર્ણય લેવાયો છે. આના માટે રેલવે તંત્ર દ્વારા રૂ.પ૦ કરોડ અને કોર્પોરેશન દ્વારા રૂ.૧પ કરોડના બજેટની ફાળવણી પણ કરાઇ છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યારે ચેનપુર ફાટક, વંદેમાતરમ્ ફાટક અને અગિયારસ માતાના મંદિર પાસે આવેલા ફાટક ખાતે અંડરપાસ બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. વાડજમાં આવેલા કિરણપાર્કના ફાટક નંબર આઠ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના ખર્ચે અંડરપાસ બનાવાશે. તો પાલડીના જલારામ ક્રોસિંગના રેલવે ફાટક નંબર 17 ખાતે મેટ્રો રેલવેની મેગા કંપની દ્વારા અંડરપાસ બનાવવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]