ગાંધીનગર– ગુજરાત એસટી નિગમના ઇતિહાસમાં પ્રથમવાર ચાલુ વર્ષે દીવાળીના તહેવારો દરમિયાન નવેમ્બર માસમાં ઐતિહાસિક રૂ.૨૦૬.૩૬ કરોડની આવક થઇ છે, જે ગત વર્ષ ૨૦૧૭ કરતાં રૂ.૩૬.૦૪ કરોડ વધુ છે. આ ઉપરાંત ઓનલાઇન ટીકીટ બુકિંગમાં ૧૨,૩૧,૭૭૬ લાખ બુક થયેલ સીટો દ્વારા રૂ.૨૫.૭૨ કરોડની આવક પ્રાપ્ત થઇ છે, ગત વર્ષે ૨૦૧૭માં ૮,૨૩,૯૦૫ ઓનલાઇન ટિકીટ બૂકિંગ દ્વારા રૂ.૧૮.૯૭ કરોડની આવક થઇ હતી.
દિવાળીના તહેવારોમાં નવેમ્બર-૨૦૧૮માં નિગમની બસોએ ૯.૭ કરોડ કિલોમીટરનું અંતર કાપીને એસ.ટી. નિગમને રૂ.૨૦૬.૩૩ કરોડની આવક કરી આપી છે. ગત વર્ષે ૨૦૧૭માં ૮.૯૫ કરોડ કિલોમીટર કાપીને રૂ.૧૭૦.૩૨ કરોડની આવક થઇ હતી. આ ઉપરાંત નિગમ દ્વારા દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને સારી, ઝડપી અને સલામત મુસાફરી પુરી પાડવા ૧૩,૭૭૦ ટ્રીપો અને ૨૩.૫૭ લાખ કિ.મી.નું એક્સ્ટ્રા સંચાલન હાથ ધરીને ૫.૬૩ લાખ મુસાફરોને બસ સુવિધા પુરી પાડીને રૂા.૫.૯૬ કરોડની વધારાની આવક મેળવી ગત વર્ષની સરખામણીએ કુલ આવકમાં ૨૧.૧૬ ટકાનો વધારો મેળવ્યો છે. આ ઉપરાંત દિવાળીના તહેવારોમાં મુસાફરો એસ.ટી.બસોનો મહત્તમ લાભ લઇ શકે તે હેતુથી વધારે ટ્રાફિકવાળા ડેપો/સ્ટેન્ડ ખાતે ૨૪ કલાક ઓનલાઇન અને ઓફલાઇન ટીકીટ બુકીંગ કાઉન્ટરો ચાલુ રાખવામાં આવ્યા હતા. જેના પરિણામે નિગમના ઇતિહાસમાં ઓનલાઇન બુકીંગની આવક સતત ૯ દિવસ સુધી રૂ.૧ કરોડથી વધુ રહી હતી.અત્રે નોંધનીય છે કે, એસ.ટી.નિગમના ઇતિહાસમાં તા.૧૦ નવેમ્બર-૨૦૧૮ની એક દિવસની કુલ ૬૫,૬૦૦ ટીકીટોના બુકીંગ દ્વારા રૂ.૧.૩૧ કરોડની આવક પ્રાપ્ત થઇ છે તેમજ તા. ૧૨ નવેમ્બર-૨૦૧૮ના રોજ રૂ.૯.૫૦ કરોડની રેકોર્ડ બ્રેક આવક નોંધાઇ છે.