અમદાવાદથી ભોપાલ અને શિરડી માટે ફ્લાઈટ શરુ થશે, જાણો વધુ વિગતો…

અમદાવાદઃ ભોપાલને અમદાવાદ ઉપરાંત જયપુર, હૈદરાબાદ અને શિરડીને જોડતી સીધી નોનસ્ટોપ ડેઈલી ફ્લાઈટ 6 જાન્યુઆરી 2019થી શરૂ કરવાની જાહેરાત સ્પાઈસ જેટ દ્વારા કરવામાં આવી છે. એ જ રીતે ધાર્મિક નગરી શિરડીને પણ અમદાવાદ ઉપરાંત બેંગલુરુ, જયપુર અને ભોપાલ સાથે જોડવાની સાથે હૈદરાબાદ માટે વધારાની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.

અત્યાર સુધી અમદાવાદથી ભોપાલ અને શિરડી ટ્રેનમાં જતા 12થી 13 કલાકનો સમય લાગતો હતો. પરંતુ હવે નવી ફ્લાઈટ શરૂ થતાં પેસેન્જરો દોઢથી 2 કલાકમાં પહોંચી જશે. આ તમામ ફ્લાઈટ માટે એરલાઈન્સ દ્વારા બોમ્બાર્ડિયર ક્યુ 400 એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવશે.

સ્પાઈસ જેટના અધિકારી શિલ્પા ભાટિયાએ જણાવ્યું કે, ભોપાલને દેશના મુખ્ય શહેરો સાથે જોડતી નવી ફ્લાઈટ શરૂ કરવાની એરલાઈન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દેશના મધ્યમાં આવેલા અને દેશના સૌથી મોટા રાજ્ય મધ્યપ્રદેશના પાટનગર ભોપાલને અમદાવાદ સહિત અન્ય શહેરો સાથે જોડતી નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. એ જ રીતે દેશના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતા અમદાવાદ, જયપુર, હૈદરાબાદ અને બેંગલુરુથી શિરડી સુધી સીધી ફ્લાઈટ શરૂ થતા ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ પેસેન્જરોને લાભ થશે.

અમદાવાદથી ભોપાલ જતા લગભગ 650 કિલોમીટરનું અંતર કાપતા ટ્રેન દ્વારા 13 કલાકનો સમય લાગે છે. ત્યારે આ નવી ફ્લાઈટથી પેસેન્જરો ફક્ત સવા કલાકમાં જ ભોપાલ પહોંચી જશે. એ જ રીતે શિરડી જવા માટે અમદાવાદથી સીધી ટ્રેન નથી તેથી મુંબઈ થઈ અથવા બસ દ્વારા શિરડી જવું પડે છે. હવે અમદાવાદથી શિરડી માટે સીધી ફ્લાઈટ શરૂ થતા શ્રદ્ધાળુઓ ફક્ત 1.35 કલાકમાં પહોંચી જશે.