Gujarat: અમદાવાદમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર 18 બાંગ્લાદેશી શખ્સોને SOGની ટીમે ઝડપી પાડ્યાં છે. જેમને હાલ એસઓજી કચેરીમાં રાખવામાં આવ્યા છે. તમામ લોકો પાસેથી બાંગ્લાદેશી હોવાના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. બાંગ્લાદેશી યુવકો અમદાવાદમાં કેમ આવ્યા છે તે મામલે એસઓજીએ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ચંડોળા તળાવ અને તેની આસપાસમાં રહેતા કેટલાક લોકો બાંગ્લાદેશી છે. જે બોગસ ડોક્યુમેન્ટ બનાવીને અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રહે છે. રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે શહેરમાં કોઇ અનઇચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઇ છે.
બાંગ્લાદેશની બોર્ડર ખુલ્લી હોવાના કારણે ત્યાંના લોકો રોજીરોટી માટે ભારતમાં આવી જતાં હોય છે અને ત્યાર બાદ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને રહેતા હોય છે. બાંગ્લાદેશીઓ ગુજરાતમાં મોટી સંખ્યામાં રોજીરોટી મેળવવા આવે છે. અમદાવાદ એસઓજી દ્વારા સ્પેશિયલ તપાસમાં અમદાવાદમાં વસવાટ કરતાં 18 બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. બાંગ્લાદેશના એજન્ટો દ્વારા રૂપિયા 6થી લઇને દસ હજાર સુધીની રકમ લઈને બોર્ડર ક્રોસ કરીને પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં ઘૂસાડવાનું ષડયંત્ર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
હાલ પોલીસે શહેરમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરનાર બાંગ્લાદેશી નાગરિકોને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બાંગ્લાદેશી ઘૂસણખોરો ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે નહી તે અંગે પણ પોલીસે તપાસ ચાલુ કરી છે.
