અમદાવાદઃ કોરોનાની મહામારીનો સામનો સૌ કોઈ કરી રહ્યું છે. પ્રત્યેક નાગરિક સુરક્ષિત, સ્વસ્થ રહે એ માટે સરકારી તંત્ર, સામાજિક સંસ્થાઓ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. સમગ્ર દેશમાં લૉકડાઉન અને ક્યાંક કર્ફયુ પણ લાદવામાં આવ્યો છે. આ સંજોગોમાં કેટલાક ગામો અને શહેરના વિસ્તારોના લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. આવા વિકટ સમયમાં અર્ધ સૈનિક દળ સી.આર.પી.એફની મહિલા બટાલિયને ગામડામાં જઇ સામાજિક કામો કર્યા હતા.
સી.આર.પી.એફની મહિલા બટાલિયન ૧૩૫ ગાંધીનગર ગુજરાત દ્વારા લેકાવાડા ગામમાં કોરોનાને અનુલક્ષીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલાઓની આ બટાલિયન દ્વારા કોવિડ-૧૯ માં કામ આવે એ પ્રકારના સેનિટાઇઝેશનના મશીન ગામમાં સરપંચને આપવામાં આવ્યા હતાં. સી.આર.પી.એફની ૧૩૫ મહિલા બટાલિયન અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ફરજ બજાવે છે. મહિલા બટાલિયનના કમાન્ડન્ટ મમતા સિંહ કહે છે કોરોના જેવી મહામારી અને આફતોમાં પણ મહિલા બટાલિયન ઉત્કૃષ્ટ કામગીરીઓ કરશે.
(પ્રજ્ઞેશ વ્યાસ)