રાજ્યમાં 217 નવા કેસઃ અમદાવાદના 151

ગાંધીનગરઃ કોરોના નામની આ મહામારીએ હવે રીતસરનો ભરડો લીધો છે. રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. પરંતુ સમજવાની જરુર છે કે કોરોનાને પ્રસરાતો અટકાવવો તે પ્રત્યેક નાગરિકની જવાબદારી છે. સરકારતો કોરોનાને અટકાવવા અને ડામવા માટેના ઉત્કૃષ્ઠ પ્રયત્નો કરી રહી છે. પરંતુ લોકોની પણ જવાબદારી બને છે કે ઘરની કામ વગર અને જરુર વગર ઘરની બહાર ન નિકળે અને કોરોનાને પ્રસરાતો અટકાવવાના કામમાં પોતાનો સહયોગ આપે.

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 217 નવા કેસ નોંધાયા છે. જેમાંથી માત્ર અમદાવાદમાં જ 151 કેસ નોંધાયા હતાં. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 11 દર્દીના મોત થયા છે.

જોકે આ દરમિયાન ગુજરાત માટે સારા સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં જ 79 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં 258 લોકો સાજા થયા છે. આજે 3 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. નવા 217 કેસમાં અમદાવાદમાં 151, સુરતમાં 41, વડોદરામાં 7, આણંદમાં 3, બોટાદમાં 2, ભરૂચમાં 5, ખેડામાં 2 કેસ જ્યારે અરવલ્લી, ભાવનગર, ગાંધીનગર, પંચમહાલ, વલસાડ અને ડાંગમાં એક એક કેસ સામે આવ્યો છે.

ગુજરાત સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જ્યંતિ રવીએ કોરોના વાયરસની વિગતે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 2624 થઈ ગઈ છે. તેમાંથી સૌથી વધારે અમદાવાદમાં જ 1652 કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના વધુ 41 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 456 થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હ્તું કે, રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 13 જિલ્લામાંથી કેસ સામે આવ્યા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]