ગુજરાતના નવા DGP પદે શિવાનંદ ઝાની નિમણૂક

ગાંધીનગર– ૧૯૮૩ની બેંચના સિનિયર આઇ.પી.એસ. અધિકારી અને હાલમાં ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર જનરલ શિવાનંદ ઝાની મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યના નવા પોલીસ મહાનિદેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઝાને કાયમી ડીજીપી બનાવાયાં છે.ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યના નવા પોલીસ મહાનિદેશકની નિમણૂકની જાહેરાત કરતા જણાવ્યું કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ગુજરાત કેડરના ૧૯૮૩ની બેંચના સિનિયર આઇ.પી.એસ. અધિકારી શિવાનંદ ઝાની રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

નિવૃત્ત થતા પોલીસ મહાનિદેશક પ્રમોદકુમારને પણ નિવૃત્તિની શુભેચ્છા પાઠવતા ગૃહ રાજ્યકક્ષાના પ્રધાને જણાવ્યું કે પ્રમોદકુમારના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ કામગીરી હાથ ધરીને રાજ્યમાં શાંતિ, સલામતીને સુદ્દઢ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.