ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર વિમલ મિશ્રાને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિટ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઇન્ડિયા ( CSIR) દ્વારા શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ 2022થી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રોફેસર મિશ્રા આ વર્ષે પૃથ્વી, વાતાવરણ, સમુદ્ર અને પ્લેનેટરી સાયન્સિસની શ્રેણીમાં એકમાત્ર એવોર્ડના વિજેતા છે. આ સંસ્થા માટે આનંદની ક્ષણ છે.
તેમને આ પુરસ્કાર ભારતમાં હાઇડ્રોલોજિકલ અને જળસંસાધનો પર માનવ અને કુદરતી પરિબળોની ભૂમિકાની તપાસ કરવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે આપવામાં આવ્યો છે. પ્રોફેસર મિશ્રાએ વર્ષ 2003માં CSA યુનિવર્સિટીમાંથી બી.ટેક. કર્યું છે. ત્યાર બાદ તેમણે IIT ખડગપુરથી એમ ટેક્. અને 2010માં USAની પર્ડ્યુ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી કરી છે. તેઓ 2012માં IITGN સાથે જોડાયા હતા. તેમની શોધ હાઇડ્રોલોજી વોટરની સર્ફેસ, ક્લાયમેટ પરિવર્તન અને ક્લાયમેટ ચેન્જ, ગ્લોબલ ફૂડ અને વોટર સિક્યોરિટી, વોટર રિસોર્સિસ મેનેજમેન્ટ અને લાર્જ-સ્કેલ હાઇડ્રોલોજિક મોડેલિંગ પર કેન્દ્રિત હતી. આ સિવાય તેમણે લેબોરેટરીમાં દુકાળ અને પૂર માટે વાસ્તવિક સમયની દેખરેખ અને ભવિષ્યવાણી પ્રણાલી વિકસિત કરવામાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પ્રાપ્ત કરવો એ દરેક સંશોધન કરનાર સાયન્ટિસ્ટનું સપનું હોય છે. હું હાલ બહુ ગૌરવાન્વિત અનુભવ કરી રહ્યો છું. મને આ એવોર્ડ આપવા બદલ હું CSIRનો આભાર માનું છું. આ સાથે હું મારા સહ કર્મચારીઓ, ગુરુઓ, વિદ્યાર્થીઓ અને સહયોગોનો અને પરિવારનો મને પ્રોત્સાહન આપવા બદલ આભાર વ્યક્ત કરું છું.
શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર 45 વર્ષથી ઓછી વયના વૈજ્ઞાનિકોને છેલ્લાં પાંચ વર્ષમાં વિશેષ યોગદાન માટે વડા પ્રધાન દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારમાં એક પ્રશસ્તિ પત્ર અને રૂ. પાંચ લાખ રોકડા આપવામાં આવે છે.