ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ MOU થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે. આ હેતુસર વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે અત્યારથી જ દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગરોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટેના MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી પ્રયોજવામાં આવે છે.

25 હજારથી વધુ રોજગાર અવસર ઉપલબ્ધ કરાવતા MoU થયા

તદઅનુસાર ટેક્ષટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, કેમિકલ્સ ઉદ્યોગ માટે કુલ રૂ. 4 હજાર કરોડથી વધુના સંભવિત મૂડી રોકાણ અને 25 હજારથી વધુ રોજગાર અવસર ઉપલબ્ધ કરાવતા MoU થયા હતા. આ MoU અનુસાર અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગાંગડ ગામે ડેનિમ ડાઈંગ અને પ્રોસેસીંગ યુનિટ શરૂ કરવા માટે શ્રી શ્યામ ફેશન ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 103.25 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ યુનિટ માર્ચ-2024માં કાર્યરત થતા 150 જેટલી રોજગારી પ્રાપ્ત થશે.

છઠ્ઠી કડીમાં એક જ દિવસમાં રૂ. 4 હજાર કરોડથી વધુના રોકાણો

આ ઉપક્રમના છઠ્ઠા તબક્કામાં ઉદ્યોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં છઠ્ઠી કડીમાં એક જ દિવસમાં રૂ. 4 હજાર કરોડથી વધુના રોકાણો માટે સાત MoU થયા છે. તેનાથી 25 હજારથી વધુ રોજગારીની તકોનું નિર્માણ થશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વાયબ્રન્‍ટ સમિટ-2024નાં પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MoU સાઈનીંગ ઉપક્રમની પાંચ કડીમાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. 8,373 કરોડના રોકાણોના 19 MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ 24,300થી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.

જનરલ પોલિટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 250 કરોડનું રોકાણ કરવામાં આવશે

સુરત જિલ્લામાં ટેક્ષટાઇલ યુનિટ કાર્યરત કરવા માટે જનરલ પોલિટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 250 કરોડનું રોકાણ કરવામાં આવશે તથા અંદાજે 500 જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ માર્ચ-2024સુધીમાં કાર્યરત થશે. તેમજ સુરતમાં અન્ય એક ટેક્ષટાઈલ યુનિટ કાર્યરત કરવા APL કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 153.98 કરોડનું રોકાણ કરવામાં આવશે, જેમાંથી 225 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. આ યુનિટ આગામી માસના અંત સુધીમાં કાર્યરત થઈ જવાનો અંદાજ છે. સુરતના પલસાણા તાલુકાના ઈંટાળવા ખાતે 3.31 લાખ ચોરસ મીટર વિસ્તારમાં એક ઔદ્યોગિક પાર્ક માટે આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે રૂ. 119.93 કરોડના રોકાણો સાથે MoU થયા છે. 582 પ્લોટની ઉપલબ્ધિ સામે અંદાજે 7 હજાર રોજગારીની તકો અહીં ઉપલબ્ધ થશે અને માર્ચ-2024 સુધીમાં તે કાર્યરત થશે.

પાંચ MoU ઉપરાંત કેમિકલ ક્ષેત્રે રૂ. 3૦૦૦ કરોડના રોકાણો માટે બે MoU થયા હતા.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં એગ્રોકેમિકલ્સ, હાઇપરફોર્મન્સ પોલિમર્સ અને પીગમેન્ટ્સના ઉત્પાદન માટે ઘરડા કેમિકલ્સ લિમિટેડ દ્વારા રૂ. 2600 કરોડના રોકાણ માટે MoU કર્યાં હતા. આ રોકાણથી બે હજાર રોજગારીની તકોનું સર્જન થશે. એમઓયુ મુજબ ઘરડા કેમિકલ્સ દ્વારા એગ્રોકેમિકલ્સનું ઉત્પાદન 2024-25માં શરૂ થઈ જશે, જ્યારે એગ્રોકેમિકલ્સ, હાઈપર્ફોર્મન્સ પોલીમર્સ, રંગદ્રવ્યો તથા એગ્રોકેમિકલ્સ ફોર્મ્યુલશનનું ઉત્પાદન 2025-26માં શરૂ થશે.