શાંતિ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓનું સંમેલન ‘અનુસ્મૃતિ’ 2022 યોજાયું

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલમાં (SBS) એલ્યુમની મીટ “અનુસ્મૃતિ 2022″નું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધો સમૃદ્ધ બને. આ ઇવેન્ટમાં સંસ્થાની પ્રથમ બેચથી શરૂ કરીને આજ સુધીની તમામ કોન્વોકેટેડ બેચની હાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓ વચ્ચે નેટવર્કિંગ માટે અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડવા ઉપર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે આજીવન સૌહાર્દપૂર્ણ સંબંધને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

વાર્ષિક પીજીડીએમ એલ્યુમની મીટની શરૂઆત ‘SBS’નાં  ડિરેક્ટર ડો. નેહા શર્માના ઉદઘાટન સંબોધનથી થઈ હતી જ્યાં તેમણે કેમ્પસમાં તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને તેમને “એસબીએસ”ની તમામ ફેકલ્ટી અને સ્ટાફના સમર્થનની ખાતરી આપીને સંપર્કમાં રહેવા જણાવ્યું હતું.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કોર્પોરેટ વર્લ્ડમાં તેમના લાઇફ લર્નિંગ એક્સપિરીયન્સ વર્ણવ્યા, જે હાલની બેચના  વિદ્યાર્થીઓને ઉદ્યોગની જરૂરિયાતને સમજવામાં અને ઇન્ડસ્ટ્રી રેડી રહેવાની દિશા આપવામાં ખૂબ મદદરૂપ થયા હતા. તે પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે વર્તમાન વિદ્યાર્થીઓનું પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમની કોર્પોરેટ કેરિયરમાં આવેલા પડકારોનો કેવી રીતે સામનો કર્યો તેમ જ તેમના વ્યાવસાયિક કેરિયરમાં સમૃદ્ધ થવા માટે લીધેલાં પગલાઓ વિશે માહિતી શેર કરી હતી. આ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ ડાન્સ પાર્ટી અને ડિનરનો આનંદ માણ્યો હતો.