નવરાત્રિ: લોકોનો પૂજા-સામગ્રી, શણગાર ખરીદવા ભારે ધસારો

અમદાવાદઃ આસો સુદ એકમે નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો છે. નવરાત્રિના પહેલા દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની સ્થાપન પછી પૂજન-અર્ચન અને સ્તુતિ કરવામાં આવે છે. શૈલનો અર્થ હિમાલય થાય છે અને હિમાલયમાં તેમના જન્મને કારણે તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. 

માની શક્તિની આરાધનાના આ દિવસોમાં શ્રદ્ધાળુઓમાં જગતજનનીની પૂજા-અર્ચના ભારે ઉત્સાહ છે. મંદિરો અને ઘરમાં પૂજાના સ્થાને માતાજીને નવી ચુંદડી, હાર અને વિવિધ સામગ્રીથી શણગારવામાં આવે છે.

બે વર્ષના કોરોના રોગચાળાનાં બંધનો બાદ આ વર્ષે શેરી, મહોલ્લા અને સોસાયટીઓના ગરબાનાં મોટા આયોજનોથી પૂજા-સામગ્રીના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના દરેક વિસ્તારમાં લારીઓ, દુકાનો, વિશાળ મંડપોમાં અગરબત્તી, ધૂપ, પૂજાપાની અન્ય સામગ્રીનું વેચાણ વધ્યું છે. આ સાથે અલગ-અલગ સાઇઝને કલરમાં માતાજીની ચુંદડીઓ જોવા મળી રહી છે. માતાજીને પહેરાવવામાં આવતા હારમાં પણ વિવિધતા જોવા મળી રહી છે.

આ પરંપરા અને માન્યતાઓથી આધારે મટકીરૂપી ગરબાને પણ કલર અને અન્ય સામગ્રીથી શણગારી કલાત્મક રીતે તૈયાર કરી વેચવામાં આવી રહ્યા છે.નવરાત્રિ શરૂ થાય એ પહેલાં આગળના દિવસે રવિવારે અને સોમવારની સવારે શહેરનાં બજારોમાં પૂજા-સામગ્રી અને માતાજીના શણગાર ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)