અમદાવાદઃ શહેરના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવા બની રહેલા એસ્પાયર-2 નામના એક બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતાં સાત મજૂરોનાં મોત થયાં છે. આ લિફ્ટમાં આઠ મજૂરો પટકાયા હતા. જોકે તેમાંથી એકની હાલત ગંભીર છે, તેને હોસ્પિટલમાં સારવાર્થે ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિત અનુસાર જૂની પાસપોર્ટ ઓફિસ સામે બની રહેલા એસ્પાયર-2 નામના બિલ્ડિંગમાં આ દુર્ઘટના બની હતી. બાંધકામની સાઇટ પર થયેલા અકસ્માતનો એટલો પ્રચંડ ધડાકો સંભળાયો હતો કે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી છે.
આશ્ચર્યજનક વાત એ છે કે આ મામલે બાંધકામની સાઇટ પરથી અન્ય કર્મચારીઓ મજૂરોની મદદ કરવાને બદલે કર્મચારીઓ ઓફિસ ખુલ્લી રાખીને નાસી ગયા હતા. આ દુર્ઘટના બની ત્યારે કોઈએ ફાયરબ્રિગેડને ફોન કરવાની પણ તસ્દી નહોતી લીધી. પ્રાપ્ત માહિતી અનુસાર આ એસ્પાયર-2માં દુર્ઘટના સવારે 9.30 કલાકની આસપાસ બની હતી. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ સાત મજૂરોનાં મોત થયાં હતાં.
આ બાંધકામ સાઇટ પર સ્લેબ ધસી પડતાં સાત જેટલા મજૂર દટાયા હતા. હાલ એ ઘટનાની તપાસ ચાલુ છે અને આ મામલે ફાયરબ્રિગેડ કે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર વિગતો નથી આપવામાં આવી. આ દુર્ઘટના બાદ ભોગ બનેલા મજૂરોને સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર શ્રમિકો- સંજયભાઈ બાબુભાઇ નાયક, જગદીશભાઈ રમેશભાઈ નાયક, અશ્વિનભાઈ સોમાભાઈ નાયક, મુકેશ ભરતભાઈ નાયક, મુકેશભાઇ ભરતભાઈ નાયક, રાજમલ સુરેશભાઇ ખરાડી, પંકજભાઇ શંકરભાઈ ખરાડીનો સમાવેશ થાય છે.