ગુજરાત સાયન્સ સિટી ખાતે નેચર ક્લબની પ્રવૃત્તિઓ અંતર્ગત સત્રનું આયોજન

અમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટીએ પ્રકૃતિ સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ વધારવા માટે નેચર ક્લબ થકી હાથ ધરવામાં આવતી પ્રવૃતિઓને ઉજાગર કરી પ્રકૃતિના સંરક્ષણ વિષે વિચારમંથન સત્રનું આયોજન કરવામાં આવ્યું   હતું.

આ ખાસ સત્રમાં આયોજિત ઈંટરેક્ટિવ સેશનમાં પ્રકૃતિના સંરક્ષણ માટે કેવી પ્રવૃતિઓ હાથ ધરી શકાય, આ માટે લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય, પર્યાવરણના જતન માટે યુવાઓમાં કેવી રીતે જાગૃતિ લાવી શકાય તથા કાર્બનનો ઉપયોગ કેવી રીતે ઘટાડી શકાય વગેરે જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

સત્રના અંતમાં કચરાનો નિકાલ વિવેકપૂર્ણ રીતે કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવી, પ્રકૃતિના રક્ષણ માટે જવાબદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ સત્રમાં નિષ્ણાતોએ પ્રકૃતિનું સંરક્ષણ કેવી રીતે કરવું અને સમાજકલ્યાણ માટે વધુ વૈજ્ઞાનિક અભિગમથી કેવી રીતે કાર્યો થઈ શકે તે વિષે જણાવ્યું.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી સમાજને વિજ્ઞાન સાથે જોડવા અને સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાની કટિબદ્ધતા સાથે સમયાંતરે વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમો અને સત્રોનું આયોજન કરે છે. ગુજરાત  સાયન્સ સિટી ખાતે આવેલ વિશાળ નેચર પાર્ક પ્રકૃતિક વાતાવરણ સાથે પ્રકૃતિના નજીક લઈ જાય તેના મહત્વને સ્થાપિત કરે છે.