કોંગ્રેસની બીજી યાદી જાહેર, પાસના બે ઉમેદવાર પાછા ખેંચાયા

અમદાવાદ– કોંગ્રેસે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે બાકી રહી ગયેલા 9 નવા ઉમેદવારો સાથેની પોતાની 13 ઉમેદવારોના નામની બીજી યાદી સોમવારે મોડીરાતે જાહેર કરી હતી. આ યાદીમાં 9 નવા ઉમેદવારોની સાથે જૂનાગઢ, ભરૂચ, કામરેજ અને વરાછા રોડની બેઠકના કુલ 4 ઉમેદવારો બદલી નાંખ્યા છે. આમ પ્રથમ તબક્કાની 89 બેઠકો પૈકી 86 બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર થઈ ચુક્યા છે. અને બાકી રહેલી 3 બેઠક પર છોટુ વસાવા સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે.

રાજ્યસભાની ચૂંટણીમાં છોટુ વસાવાએ કોંગ્રેસને મદદ કરી હતી. આથી છોટુ વસાવાને કોંગ્રેસે ઝઘડિયા, માંગરોળ અને ડેડિયાપાડાની બેઠક ફાળવી છે. કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કર્યા પછી પાસ દ્વારા ખુબ વિરોધ કરાયો હતો, અને તે પછી કોંગ્રેસે પાસના બે ઉમેદવારોના નામ પાછી ખેંચી લીધા છે, અને તેના સ્થાને નવા ઉમેદવારના નામની જાહેરાત કરી છે. જેમાં જૂનાગઢના પાસના આગેવાન અમિત ઠુમ્મરની જગ્યાએ હવે ભીખાભાઈ જોષીને ટિકિટ ફાળવી છે. જ્યારે કામરેજ બેઠક પર પાસના અગ્રણી નીલેશ કુમ્બાનીને સ્થાને અશોક જીરાવાલાને ટિકિટ આપી છે. વરાછા રોડ પર પ્રફુલ્લ તોગડિયાને સ્થાને ચૂંટણીમાં હારેલા ધીરુ ગજેરાને ફરીથી ટિકિટ ફાળવી છે. જાણવા મળ્યા મુજબ ધીરુ ગજેરાને પાસના કહેવાથી ટિકિટ અપાઈ છે.

કોંગ્રેસની 13 ઉમેદવારોની બીજી યાદી

(1) અબડાસા- પ્રદ્મુમનસિંહ જાડેજા

(2) ભૂજ- આદમ બી. ચાકી

(3) રાપર- સંતોકબહેન અરેઠિયા

(4) રાજકોટ પૂર્વ- મિતુલ દોંગા

(5) રાજકોટ દક્ષિણ- દિનેશ ચોવટિયા

(6) જામનગર ઉત્તર- જીવણ કુંભારવાડિયા

(7) જામનગર દક્ષિણ- અશોક લાલ

(8) જામખંભાળિયા- વિક્રમ માડમ

(9) દ્વારકા- મેરામણ ગોરિયા

(10) જૂનાગઢ- ભીખાભાઈ જોષી

(11) ભરૂચ- જયેશ પટેલ

(12) કામરેજ- અશોક જીરાવાલા

(13) વરાછા રોડ- ધીરુભાઈ ગજેરા