RTE અંતર્ગત ખાલી જગ્યા ધરાવતી શાળાઓની કરાશે પુનઃ પસંદગી

RTE(રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ) 2009 અંતર્ગત જે વિદ્યાર્થિઓએ અરજી કરી હોય તેમણે જો શાળાની પુનઃપસંદગી કરવી હોય તો તે 21 જૂન સુધી કરી શકે છે. જેની માટે તેમણે આરટીઇના વેબપોર્ટલ પર જઇને પસંદગી કરવાની રહેશે.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના જણાવ્યા પ્રમાણે RTE અંતર્ગત  પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડના અંતે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓ 21 જૂન બુધવાર સુધીમાં RTEના વેબપોર્ટલ https://rte.orpgujarat.com પર જઇ શાળાઓની પુનઃ પસંદગી કરી શકશે.

ઉલ્લેખનીય છે કે  આ માટે શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે. શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીનાં ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. જો શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો અરજી પત્રકમાં દર્શાવેલ જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકાય છે.

નોંધનીય છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપી શકાય તે હેતુથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ સમગ્ર રાજ્યમાં અંગ્રેજી માધ્યમની ૧૩,૦૮૬, ગુજરાતી માધ્યમની ૧૫,૪૦૪, હિન્દી માધ્યમની ૨૮૨૮, અન્ય માધ્યમની ૨૯૧ સહિત કુલ ૩૧,૬૦૯ જેટલી જગ્યાઓ ખાલી છે. માટે જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થયેલી છે અને તેમને RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ કે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી તે વિદ્યાર્થીઓને આર.ટી.ઈ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 4 મે  અને બીજો રાઉન્ડ 25 મે જાહેર કરવામાં આવ્યો હતો. બન્ને રાઉન્ડના અંતે એકંદરે ૫૯,૮૬૯ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. ફાળવવામાં આવેલ પ્રવેશ પૈકી ૫૧,૫૨૦ જેટલા બાળકોએ પ્રવેશ ફાળવાયેલ શાળાઓમાં જઈ પ્રવેશ સુનિશ્ચિત કરાવ્યો છે.