મોબાઇલની લતે 13 વર્ષની કિશોરી માતાપિતાની હત્યાનું કાવતરું રચ્યું?

અમદાવાદઃ બાળકોને મોબાઇલની લત એક સમસ્યા બની ગઈ છે, જેનાથી કેટલાંય માતાપિતા પરેશાન છે. બાળકો એટલા બધા મોબાઇલમય થઈ જાય છે કે તેમને માતાપિતાએ લડવા પડે છે, પણ મોબાઇલને કારણે માતાપિતાની ફટકારને કારણે કોઈ બાળક માતાપિતાની હત્યાનું કાવતરું રચી શકે?

શહેરમાં મોબાઇલની લતનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પશ્વિમ વિસ્તારમાં રહેતા એક દંપતીએ પુત્રીનો મોબાઇલ આંચકી લેતાં પુત્રીએ માતાપિતાને મારવાનો અને નુક્સાન પહોંચાડવાનો પ્લાન બનાવ્યો હતો. દીકરીના આ વર્તન સામે દંપતીએ પોલીસની મદદ લીધી છે.

પશ્ચિમ અમદાવાદમાં રહેતી 45 વર્ષીય કાજલ પરમારે (નામ બદલ્યું છે)એ એક દિવસ ખાંડમાં કંઈક અજુગતું જોયું. ખાંડની ગંધ આવીને તેણે તેને ફેંકી દીધી. આવું એક-બે વાર નહીં, પણ ઘણી વાર બન્યું. જ્યારે તેણે આ બાબતે સતર્કતા રાખવાની શરૂ કરી તો તે ચોંકી ગઈ તેને જાણવા મળ્યું કે તેમની 13 વર્ષની પુત્રી ખાંડમાં બાથરૂમ ક્લીનર અને ફિનાઈલ જેવા પદાર્થો ઉમેરી રહી છે. માત્ર 13 વર્ષની દીકરીનું આ વર્તન તેમના માટે ખૂબ જ આઘાતજનક હતું. કાઉન્સેલિંગ બાદ માલૂમ પડ્યું હતું કે પુત્રી પાસેથી મોબાઇલ લઈ લીધો હોવાથી તે તેમની હત્યા કરવા માગતી હતી. તેને મોબાઇલની લત લાગી ગઈ હતી.

અભયમ 181 મહિલા હેલ્પલાઇને આ બાબતે વધારે ચકાસણી કરી તો મોટા ખુલાસા થયા. થોડા દિવસ પહેલાં જ માતાએ તેની પુત્રી પાસેથી ફોન આંચકી લીધો ત્યારે તે હિંસક બની ગઈ હતી. બૂમો પાડવા લાગી હતી. આ દરમિયાન માતાએ તેને માર માર્યો અને ભવિષ્યમાં ક્યારેય મોબાઇલ ન આપવાની ચેતવણી આપી હતી. માતા-પિતાએ કાઉન્સેલરને જણાવ્યું હતું કે છોકરી લગભગ આખી રાત ફોન પર, મિત્રો સાથે ઓનઇઈન ચેટ કરવામાં અથવા સોશિયલ મિડિયા પર રીલ અથવા પોસ્ટ જોવામાં વિતાવતી હતી. જેના કારણે તે અભ્યાસથી દૂર થઈ ગઈ હતી. તે કોઈની સાથે વાત કરતી ન હતી. તે આખો સમય મોબાઈલ પર જ પસાર કરતી હતી.