સદભાવના વૃદ્ધાશ્રમનો સંકલ્પ છે ગુજરાતને લીલુંછમ કરવાનો

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા જશોદાનગરથી ત્રિકમપુરા રોડ પર સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રોડની વચ્ચેના ડિવાઇડર પર લીલી નેટ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. મોટા ભાગે વૃદ્ધાશ્રમની વાત આવે એટલે વૃદ્ધ લોકોને સાચવતી, રાખતી સંસ્થાઓ કે જગ્યાનું ચિત્ર દેખાય, પરંતુ રાજકોટનું સદભાવના વૃદ્ધાશ્રમ નિરાધાર વૃદ્ધોને તો એકદમ સારી રીતે સાચવી સેવા કરે છે. આ સાથે 500 જેટલા બળદોને સાચવે છે. ગુજરાતમાં ઠેર-ઠેર વૃક્ષારોપણ પણ કરે છે.

સદભાવના વૃદ્ધાશ્રમ સાથે જોડાયેલા અંકુલભાઈ ચિત્રલેખા. કોમને કહે છે આ એક યુનિક પ્રકારની સમાજ સેવાઓ કરતો વૃદ્ધાશ્રમ છે. વૃદ્ધોને માવતર સમજીને સાચવવામાં આવે છે. ઉત્તમ સારવાર પણ કરવામાં આવે છે. આ સંસ્થાનું 10,000 બળદોને આશ્રય આપવાનું વિઝન છે. સંસ્થાએ 250 ટ્રેક્ટર, 250 ટેન્કર, 11000 મજૂર અને 80 જેટલા સુપરવાઇઝરોની ટીમ સાથે 15 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું છે.

અકુલભાઈ કહે છે, સંસ્થાએ રાજકોટ, ભાવનગર, સાવરકુંડલા, સુરત, સુરેન્દ્રનગર અને અમદાવાદ સહિત અનેક શહેરોના માર્ગો પર વૃક્ષારોપણ શરૂ કરી દીધું છે. સંસ્થાના વિજયભાઈ ડોબરિયાને ‘વન પંડિત’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગામી વર્ષોમાં 20 કરોડ વૃક્ષોનું ગુજરાતમાં વાવેતર કરી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા રાજ્યને લીલુંછમ કરવા પ્રયત્નો કરશે.

કોરોનાની બીજી લહેરમાં જ્યારે હજારો ચિતાઓ સળગતીએ વેળાએ સંસ્થાએ રાજકોટની ભાગોળમાં 7575 પીપળાનું વાવેતર કર્યુ હતું. સદભાવના સાથે નિરાધાર વૃદ્ધોને વૃદ્ધાશ્રમ રાખતી, સાચવતી અને લાખો વૃક્ષોને વાવીને માવજત કરતી અનોખી સંસ્થા ગુજરાતને લીલુંછમ બનાવી રહી છે. લોખંડ,  સિમેન્ટના ચણતર સાથેના ચબૂતરાની જગ્યાએ પક્ષીઓને વૃક્ષરૂપી ચબૂતરા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)