હિંમતનગર: ભણવાની બદલે હોસ્ટેલમાં PUBG રમતા 7 વિદ્યાર્થીઓની અટકાયત

અમદાવાદ- રાજ્યમાંના મોટાભાગના જિલ્લાઓમાં પબજી ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધ છતાં પણ લોકો આ ગેમ રમવાનું છોડી શકતા નથી. જેના કારણે પોલીસ દ્વારા રાજ્યમા અનેક જગ્યાએથી પબજી રમનારાઓની ધરપકડ કરવામાં આવી છે. આજે  હિંમતનગરમાં પ્રતિબંધિત રમત પબજી રમતા 7 જેટલા લોકોની અટકાયત કરી છે. હિંમતનગરની પોલીટેકનિક કોલેજ નજીકની એક હોસ્ટેલમાંથી 7 વિદ્યાર્થીઓને પબજી રમતા પકડાયા છે.

ગઇકાલે જ જિલ્લા કલેકટર દ્વારા આ રમત પર પ્રતિબંધનું જાહેરનામું બાહર પાડયુ હતુ અને બીજા દિવસે જ ફરમાનનો ભંગ કરનારાઓની અટકાયત કરી છે. પોલિસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ અગાઉ રાજકોટમાં પબજી ગેમ રમતા 18 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમે ગૂગલ પ્લે સ્ટોરને એક પત્ર લખ્યો છે, જેમાં કહ્યું છે કે, ગુજરાતના આઈપી એડ્રેસ પરથી ગેમ ડાઉનલોડ પર પ્રતિબંધ મુકવાની અપીલ કરી છે.

આલ્ફા એન્જિનિયરિંગ કોલેજે 150 વિદ્યાર્થીઓને રમાડી હતી ગેમ

શાળા-કોલેજના બાળકો પબજી ગેમ ન રમે તે માટે સરકારી પરિપત્રની અમદાવાદમાં ઐસી તૈસી થતી જોવા મળી છે. કારણ કે આલ્ફા એન્જિનિયરિંગ કોલેજે 150 વિદ્યાર્થીઓને પબજી ગેમ રમાડી છે. જોકે હવે આ મામલે સામાજિક કાર્યકરે સરકાર, શિક્ષણ વિભાગ અને પોલીસ વડાને અરજી કરી છે.

આ ગેમના દુષણથી વિદ્યાર્થીઓ પર અનેક નકારાત્મક અસર પડે છે. અને કોલેજ આ ગેમને પ્રોત્સાહન આપતી હોવાનો આક્ષેપ સાથે કોલેજ સંચાલક અને પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ સાથે જ કોઈ કોલેજમાં આ પ્રકારની ગેમ ન રમાય તેવી પણ માંગ કરવામાં આવી છે.