રાજકોટઃ દેશભર સહિત રાજ્યમાં ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. તમામ પક્ષો તરફથી આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ભાજપની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. થોડા સમય પહેલાં પરશોત્તમ રૂપાલા જે ભાજપના રાજકોટ બેઠક ઉમેદવાર છે. તેમને ક્ષત્રિય સમાજ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજ્યનાં કેટલાંક શહેરો અને ગામડાઓમાં ભાજપના કાર્યકર્તા અને ઉમેદવારો પર પ્રવેશ બંધના પોસ્ટર લગાડવામાં આવ્યાં છે. ત્યારે આજે ફરી એક વાર વડોદરાના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશબંધીના પોસ્ટર લગાડવામાં આવ્યાં હતાં. પોસ્ટર લાગતાની સાથે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ શાંતિ પૂર્ણ વિરોધ ઉગ્ર ન બને તે માટે પહોંચેલી પોલીસ પર ભાજપના ગુલામ હોવાનો સ્થાનિક વિરોધ પ્રદર્શન કરતા ક્ષત્રિય સમાજે આરોપ પણ લગાવ્યો.
રાજકોટમાં વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાના એક નિવેદનથી થયેલા વિવાદને 20 દિવસ જેટલો સમય વીતવા છતાં હજુ આ વિવાદ શાંત થયો નથી. આ વિવાદ વચ્ચે રૂપાલા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. સભા સંબોધી રહ્યા છે અને ક્ષત્રિય મહિલાઓ અને પુરુષો આક્રમક વિરોધ કરી રહ્યા છે. ગઈ કાલે રૂપાલાએ શાયરી બોલીને આડકતરી રીતે તેમના વિરોધીઓને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો કે તેમને કોઈ નહી હલાવી શકે. તો આ વાતને લઈને રાજપૂતો પણ બરાબરના અકળાયા છે. રાજપૂત સમાજની સંકલન સમિતિએ કહ્યુ કે થોડી શરમ કરો. ટિકિટ પરત આપવાની જગ્યાએ શાયરીઓ કરી રહ્યા છો ?
રૂપાલાએ રાજકોટમાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી રોડ શોની શરૂઆત કરી હતી. આ રોડ શો પહેલા તેમનું સ્વાગત ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે રોડ-શો દરમિયાન સાસંદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડૉ.દર્શિતાબહેન શાહ અને પ્રદેશધ્યક્ષ ભરત મોગરા પણ હાજર હતા. ક્ષત્રિય સમાજના અભિવાદન ઝીલતા રૂપાલાને જોઈ ભાજપમાં ક્યાંક ને ક્યાંક હાશકારો જોવા મળ્યો. હવે જોવાનું એ રહે છે કે ભાજપ આ વિવાદનો સંપૂર્ણ પણે અંત લાવી ફરીથી ક્ષત્રિય સમાજની વોટ બેન્ક પોતાના તરફ ખેંચી શકશે કે કેમ?