બેંગલુરુમાં વાઇબ્રન્ટ ગુજરાત માટે રોડ શોનું આયોજન

બેંગલુરુઃ રાજ્યના મંત્રી બળવંત સિંહ રાજપૂતના નેતૃત્વમાં બેંગલુરુમાં વાઇબ્રન્ટ ગુજરાતના 10મા આયોજનના પ્રમોશન માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન આગામી 10થી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના ગાંધીનગરમાં કરવામાં આવશે.

રાજ્યના ઓદ્યૌગિક મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સતત પ્રગતિને પંથે છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, ડ્રીમ સિટી અને ગ્રીનફીલ્ડ પોર્ટસ એલએનજી ટર્મિનલ્સ અને હાઇ સ્પીડ રેલ નેટવર્ક જેવા પ્રોજેક્ટ રાજ્યના વિકાસમાં સહાયક છે.

તેમણે કહ્યું હતું કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી) નાણાકીય સેવાઓ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ બજારની સુવિધા ઉપલબ્ધ કરાવશે. દેશમાં ઉત્પાદન મામલે ગુજરાતનો હિસ્સો 18 ટકા છે. એ સાથે રાજ્ય સ્ટાર્ટઅપના મામલે પણ અગ્રણી છે.

દેશની 11 ટકા ફેક્ટરી ગુજરાતમાં છે. ગુજરાત લોજિસ્ટિક્સ રેન્કિંગમાં પહેલા ક્રમાંકે છે. રાજ્યએ નિકાસમાં 33 ટકા હિસ્સાનું યોગદાન આપ્યું છે અને રોજગારીની તકો ઊભી કરવામાં અગ્રેસર છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં GSDPમાં 15 ટકા વધારો થયો છે, જે રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે. રાજ્ય GDPમાં 8.4 ટકાનું યોગદાન આપે છે.

રાજ્ય સરકારે મુંબઈ, ચંડીગઢ, કોલકાતા, ચેન્નઇ અને લખનઉમાં રોડ શો આયોજિત કર્યા છે.  આ સાથે વિશ્વ સ્તરે પણ વાઇબ્રન્ટ ગુજરાતને પ્રદર્શિત કર્યું છે.