
138 વર્ષ જૂની આ માર્કેટ છેલ્લાં કેટલાય સમયથી મરામત માગતી હતી. માર્કેટની છત પરથી વરસાદમાં પાણી ટપકતું હતું. તો રોડના માર્જીનથી માર્કેટ નીચે હોય વરસાદી પાણી ભરાવાના અને વાયરીંગ ખરાબ થવાને કારણે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવાના બનાવો બનતાં હતાં, જે માટે વેપારીઓ છેલ્લાં કેટલાક વર્ષોથી માર્કેટના રિનોવેશનની માગ કરતા હતાં. જેને દમણ મ્યુનિસિપલ પ્રમુખ શૌકત મિઠાણી અને કાઉન્સિલર અનિલભાઇએ ધ્યાને લઇ પ્રશાસનમાં રજૂઆત કરતા પ્રશાસક પ્રફૂલ પટેલે હાલમાં ચાલતા ન્યુ દમણ ન્યુ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત 1.40 કરોડના ખર્ચે રીનોવેશન કરવાની મંજૂરી આપી છે. અને છ માસમાં સંપૂર્ણ માર્કેટનું રીનોવેશન કરાશે. પ્રશાસનના આ સહયોગથી માર્કેટના વેપારીઓમાં ખુશીની લહેર વ્યાપી છે.આ અંગે દમણ પાલિકાના પ્રમુખ શૌકત મીઠાણીએ વિગતો આપી હતી કે દમણ પાલિકાની આ માર્કેટના વેપારીઓના ધંધા રોજગારને વધુ નુકસાની ન થાય એ માટે ત્રણ ભાગમાં માર્કેટનું રીનોવેશન કરાશે. ત્રણ ભાગમાં બનનારી માર્કેટનું કામ 6 માસમાં પૂરું કરવામાં આવશે. જોકે, આ રીનોવેશનમાં માર્કેટનું મુખ્ય સ્ટ્રકચર અને પોર્ટુગીઝ બાંધકામને જાળવી રખાશે. અને પોર્ટુગીઝ સમયના નામ ને જ ફરી મોટા બેનર સાથે યથાવત રખાશે
ઉલ્લેખનીય છે કે 1961 પૂર્વે દમણ પોર્ટુગીઝ શાસનમાં અાવતું હતુ. 18 ડિસેમ્બરના રોજ દમણને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવા માટે ભારત સરકારની સેના દ્વારા હવાઇ બોમ્બમારી કરવામાં આવી હતી. આ લડાઇમાં એક બોમ્બ દમણની આ માર્કેટ ઉપર પણ પડ્યો હતો, જેના કારણે માર્કેટની દુકાનમાં આગ લાગી હતી સાથે માર્કેટના મૂળ ઢાંચાને પણ નુકશાની પહોંચી હતી. આ માર્કેટમાં ખાસ કરીને ઇમ્પોર્ટેડ વસ્તુઓનું વેચાણ થતું હોવાના કારણે પર્યટકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી છે.