રિલાયન્સ રાજ્યને 400 ટન ઓક્સિજન પૂરો પાડશે

અમદાવાદઃ રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાને લીધે સ્થિતિ ખરાબ થઈ રહી છે. કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને સામે હોસ્પિટલોમાં જગ્યા નથી, ત્યારે આ બધા વચ્ચે સૌથી મોટી આફત એ છે કે હોસ્પિટલોમાં ઓક્સિજનની તીવ્ર અછત વર્તાઈ રહી છે. ત્યારે કોંગ્રેસના અમિત ચાવડાએ રિલાયન્સના મુકેશ અંબાણીને પત્ર લખ્યો હતો.  

ગુજરાત કોંગ્રેસ પ્રદેશપ્રમુખ અમિત ચાવડાએ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીને પત્ર લખી રાજ્યને ઓક્સિજન આપવાની માગ કરી છે. તેમણે લખ્યું છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતને પણ મફતમાં ઓક્સિજન કંપની  દ્વારા આપવામાં આવે. રિલાયન્સ  દ્વારા મહારાષ્ટ્રને 100 મેટ્રિક ટન ઓક્સિજન વિના મૂલ્યે આપવામાં આવ્યો છે. જેનું ઉત્પાદન જામનગરમાં થઈ રહ્યું છે.

અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડ.લિમિટેડ જામનગરની તેની રિફાઇનરીમાંથી ઓક્સિજન કાઢીને મહારાષ્ટ્રને મફતમાં પૂરો પાડી રહી છે. હાલ દેશનાં ઘણાં રાજ્યોમાં ઓક્સિજનની ગંભીર અછત સર્જાઈ રહી છે ત્યારે મુકેશ અંબાણીએ મહારાષ્ટ્રને મફતમાં ઓક્સિજન પૂરો પાડવાનું કામ શરૂ કર્યું છે.

જોકે આનો જવાબ ધનરાજ નથવાણીએ અમિત ચાવડાને ટ્વીટ કરીને  આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે રિલાયન્સ જામનગર દ્વારા ગુજરાતને દરરોજ 400 ટન ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. આ ગુજરાત માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. તમારા પત્ર દ્વારા સાબિત થાય છે કે રાજ્યના રાજકીય નેતા હોવા છતાં તમારામાં જાગૃતિનો અભાવ છે.