દાણાપીઠ ફાયરસ્ટેશનને તોડી મલ્ટિલેવલ પાર્કિંગ સાથે 7 માળનું બિલ્ડિંગ બનાવાશે

અમદાવાદઃ દાણાપીઠ ખાતે જર્જરિત થઈ ગયેલા 86 વર્ષ જૂના ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ તોડીને રિડેવલપ કરાશે. વર્તમાન સમયમાં જે જૂનું બિલ્ડીંગ છે તે જગ્યાએ ગ્રાઉન્ડ પ્લસ 7 માળનું નવું બિલ્ડીંગ બનાવાશે. ફાયર સ્ટેશન, ફાયરના જવાનો માટે ક્વાટર્સ, અને મલ્ટિલેવલ પાર્કિંગની સુવિધા સાથેનું અદ્યતન બિલ્ડિંગ 30 કરોડમાં તૈયાર કરાશે.

આ બિલ્ડિંગ માટે કન્સ્લ્ટન્ટની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. બિલ્ડિંગ અઢીથી ત્રણ વર્ષમાં તૈયાર થઈ જશે. દાણાપીઠ મુખ્ય ફાયર સ્ટેશન ખાતેના 4800 ચોરસ મીટર પ્લોટ એરિયામાં હયાત ત્રણ બ્લોક પૈકી એક બિલ્ડિંગ 86 વર્ષ જૂનું છે અને બાકીના બે રહેણાંક ફ્લેટ સહિતના બિલ્ડિંગ લગભગ 45 વર્ષ જૂના છે.

હયાત ફાયર સ્ટેશનને ડીમોલીશ કરીને રિ-ડેવલપમેન્ટની કવાયત હાથ ધરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર સહિત અહીંયા 7 માળનું બિલ્ડિંગ બનાવાશે. ફાયર બ્રિગેડના હાલના બિલ્ડિંગમાં રહેતા સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા કર્મચારીઓને જમાલપુર, મકરબા, અને ગોમતીપુર સ્ટાફ ક્વાર્ટર્સમાં શિફ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.