ગાંધીનગર– ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડધારકોને લઈને મહત્ત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. BPL તેમ જ APL -અંત્યોદય રેશનકાર્ડધારકોને શ્રાવણ માસના તહેવારોને લઈને વિતરણ કરાઈ રહેલ રેશનકાર્ડદીઠ વધારાની 1 કિલો ખાંડ અને 1 લિટર કપાસિયા તેલના પાઉચ મેળવવાની મુદત વધારવામાં આવી છે.આ સાથે ઓગસ્ટ માસમાં બાકી રહી ગયેલા રેશનકાર્ડધારકો આજથી લઈ ૬ સપ્ટેમ્બર સુધી તેઓ જેતે રેશનકાર્ડ દુકાનોથી મેળવી શકશે.
કેરોસીન બંધ
રાજ્યના 8 મહાનગરોમાં APL-1 અને APL-2 બારકોડ રેશનકાર્ડ ધરાવતા કાર્ડધારકોને પહેલી સપ્ટેમ્બરથી રેશનકાડઁ પર મળવાપાત્ર કેરોસીન વિતરણ માટે કાયમી ધોરણે બંધ કરાશે. જ્યારે BPL તેમ જ અંત્યોદય રેશનકાર્ડધારકોને મળવાપાત્ર કેરોસીનનો જથ્થો નિયત કરેલા દરે અને પ્રમાણથી મળી રહેશે.
BPL તેમ જ અંત્યોદય રેશનકાર્ડધારકોને ઉજજવલા યોજના હેઠળ ૧૦૦ રુપિયામાં ગેસ કનેકશન આપવાનું હાલ ચાલુ છે તે મુજબ બાકી રહેલા તમામ BPL તેમ જ અંત્યોદય રેશનકાર્ડધારકોને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. તેઓને આ કનેકશન મેળવી લીધા બાદ રેશનિંગ દુકાનોથી કેરોસીન વિતરણ કાયમી ધોરણે બંધ કરાશે.હાલ કેરોસીન એક લિટરના ૨૭-૧૦ના દરથી વિતરણ કરાઈ રહ્યું છે જે વ્યકિતદીઠ બે લીટર અને વધુમાં વધુ ૮ લિટર BPL- અંત્યોદય રેશનકાર્ડધારકોને વિતરણ કરવામાં આવે છે.