ગુજરાતમાં માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે એક બાદ એક નરાધમોના દુષ્કર્મોની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા, મહેસાણા, સુરેન્દ્રનગર બાદ હવે કચ્છના રાપર તાલુકાના આડેસરથી યુવતી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં એક યુવતી ગરબે રમી પરત ફરી રહી હતી ત્યારે તકનો ગેરલાભ ઉઠાવી પેવર બ્લોકના કરાખાનેદારે યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 7 ઓક્ટોબરના રોજ રાપર તાલુકાના આડેસર ગામમાં યુવતી ગરબા રમીને રાત્રે ઘરે પરત ફરી રહી હતી. રસ્તામાં યુવતીને અચાનક ચક્કર આવતા સંજય નામનો એક યુવક તેને પાણી પીવડાવવા માટે નજીકમાં આવેલા પેવર બ્લોકના કારખાનામાં લઈ ગયો હતો. યુવક યુવતીને એકલા જોઈ પેવર બ્લોકના કારખાનેદાર પ્રવિણ રાજપૂતની નિયત બગડી હતી. તેણે યુવકને બહાર કાઢી મૂકે દરવાજો બંધ કરી દીધો અને પછી યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ યુવતીએ હિંમત દાખવી આડેસર પોલીસ મથકે બળાત્કાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી પ્રવિણ રાજપૂત વિરૂદ્ધ થોડા સમય અગાઉ ગેરકાયદે વ્યાજખોરીના મુદ્દે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં 10 થી વધુ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. એક તરફ મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ દરરોજ મહિલાઓ કે સગીરાઓ સાથે બળાત્કારના સમાચાર સામે આવ્યા છે. જેને જોતાં લાગે છે કે ગુજરાત મહિલાઓ માટે દેશભરમાં સૌથી સુરક્ષિત રાજ્ય હોવાના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે.