અમૂલના ચેરમેનપદે રામસિંહ પરમાર ચૂંટાયાંઃ 50,000 કરોડ ટર્નઓવરનું લક્ષ્ય

આણંદ- ગુજરાત કો-આપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન-જીસીએમએમએફના ચેરમેનપદે રામસિંહ પરમારની સર્વાનુમતે વરણી કરાયેલી જાહેર કરવામાં આવી છે. રામસિંહ પરમારના નામનો પ્રસ્તાવ શંકર ચૌધરીએ મૂક્યો હતો. જેને વલમજી હુંબલે ટેકો જાહેર કર્યો હતો. જ્યારે વાઇસ ચેરમેનપદે જેઠા ભરવાડની વરણી કરવામાં આવી છે.જીસીએમએમએફના ચેરમેનની ચૂંટણી માટે ૧૮ સભ્ય દૂધ સંઘોના તમામ ચેરમેન હાજર રહ્યાં હતાં.જીસીએમએમએફમાં ૧૯૭૩થી ચેરમેનની વરણી બિનહરીફ થતી આવે છે તે પ્રણાલિકાને પુન: જાળવી રખાઇ છે.

જીસીએમએમએફ ભારતની રૂા.૨૭૦૪૩ કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી ખાદ્ય ઉત્પાદનોની માર્કેટીંગ વ્યવસ્થા સંભાળતી ટોચની સંસ્થા છે કે જેના ધ્વારા “અમૂલ”  બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની વિવિધ બનાવટોની વિશાળ શ્રેણીનું માર્કેટિંગ તેમજ વિતરણ કરવામાં આવે છે. જીસીએમએમએફ તેના સભ્ય સંઘો દ્વારા રાજયના ૧૮,૫૪૯થી વધુ ગામડાંઓમાંથી ૩૬ લાખ દૂધ ઉત્પાદકો પાસેથી સરેરાશ ૨૧૦ લાખ લિટર દૂધ પ્રતિદિન એકત્રિત કરે છે.

રામસિંહ પરમાર, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., અમૂલડેરીના ચેરમેન તરીકે વર્ષ ૨૦૦૩થી કાર્યરત છે. ખેડા દૂધ સહકારી સંઘ રૂા. ૫૫૦૦ કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર તથા ૬ લાખ દૂધ ઉત્પાદક સભ્યો સાથે રાજયના મોટો દૂધ ઉત્પાદક સંઘમાનો એક એકમ છે. જેમાં વર્ષ ૨૦૧૭-૧૮ માં ૩૦ લાખ લિટર પ્રતિદિન દૂધ સંપાદિત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજય બહાર પૂણે અને પશ્ચિમ બંગાળ ખાતે પ્લાન્ટ સ્થાપેલ છે જેની પ્રોસેસિંગ ક્ષમતા ૨૮ લાખ લિટર પ્રતિદિન છે.

 

આ પ્રસંગે રાંસિંહ પરમારે ગ્રાહકોને ખાતરી આપી કે જીસીએમએમએફ તેની પ્રોડકટસની ગુણવત્તા માટે કયારેય પણ બાંધછોડ કરશે નહી અને જેવું આંતરરાષ્ટ્રીય કંપનીઓ ધ્વારા કરવામાં આવે છે તેવી રીતે અમૂલની પ્રોડકટસ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા ઘટકોને હલકી ગુણવત્તાના ઓછી કિંમત ધરાવતા ઘટકોથી બદલશે નહીં. જીસીએમએમએફ દેશના અન્ય સ્ટેટ ફેડરેશનો સાથે ધનિષ્ઠતાથી કામ કરતું રહેશે કે જેથી સહકારી ચળવળને મજબુત બનાવી શકાય અને જો જરૂરિયાત હશે તો અન્ય રાજયના દૂધ ઉત્પાદકોને પણ ટેકો પૂરો પાડશે.

2020 સુધીમાં જીસીએમએમએફનું લક્ષ્ય દૈનિક ૩૦૦ લાખ લિટર દૂધ સંપાદન કરી પ્રોસેસ કરી વેચાણ કરવાનું છે અને રૂા.૫૦,૦૦૦ કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]