ઈકોનોમિક સર્વે પછી શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી, સેન્સેક્સમાં 232 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. ઈકોનોમિક સર્વે રજૂ થાય તે પહેલા જ શેરબજારમાં સેન્સેક્સ અને નિફટીએ નવા શિખર સર કર્યા હતા. નાણાપ્રધાન અરૂણ જેટલીએ લોકસભામાં ઈકોનોમિક સર્વે રજૂ કર્યો હતો, જેમાં જીડીપી ગ્રોથ 2018-19માં 7-7.50 ટકા રહેવાનું અનુમાન રજૂ કરાયું છે. જેને પગલે શેરોમાં નવેસરથી લેવાલી નિકળી હતી. અને તેજીની આગેકૂચ રહી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 232.81(0.65 ટકા) ઉછળી 36,283.25 બંધ થયો હતો. તેમજ એનએસઈ નિફટી 60.75(0.55 ટકા) ઉછળી 11,130.40 લાઈફ ટાઈમ હાઈ બંધ થયા હતા.ઈકોનોમિક સર્વે પ્રોત્સાહક આવ્યો છે. જેને પગલે શેરબજારના સેન્ટિમેન્ટમાં વધુ સુધારો આવ્યો હતો. તેમજ કંપનીઓના ત્રીજા કવાર્ટરના પરિણામ ધારણા કરતાં પ્રોત્સાહક આવી રહ્યા છે. ગ્લોબલ માર્કેટમાં તેજીનો ટોન છે. જેને કારણે ભારતીય શેરબજારમાં દરરોજ સેન્સેક્સ અને નિફટી નવા શિખર સર કરી રહ્યા છે. ઈકોનોમિક સર્વેમાં જીએસટી, નિકાસ, ખેતીવાડી અને રોજગારી પર સરકાર વધુ ફોક્સ કરશે. જે સમાચાર પછી શેરોમાં નવી લેવાલી આવી હતી.

  • મારૂતિમાં ત્રીજા કવાર્ટરમાં નફો રૂપિયા 1799 કરોડ થયો છે. જેથી નવી લેવાલી નિકળતાં મારૂતિના શેરમાં 3.58 ટકાનો ઉછાળો આવ્યો હતો.
  • આઈટી સેકટરનો આઈપીઓ ન્યૂજેન સોફટવેર ટેકનોલોજી લિમિટેડનો નવો શેર બીએસઈમાં 3.26 ટકાના પ્રિમિયમ સાથે રૂપિયા 253માં ઓપન થયો હતો.
  • લાર્સન ટુબ્રોનું માર્કેટ કેપ 2 લાખ કરોડને પાર કરી ગયું છે.
  • ગત સપ્તાહના ગુરુવારે એફઆઈઆઈએ રૂપિયા 937 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, તેમજ સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 965 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું.
  • આજે તેજી બજારમાં ઓટોમોબાઈલ, બેંક, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, આઈટી, મેટલ અને ટેકનોલોજી સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી.
  • જ્યારે એફએમસીજી, ફાર્મા, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલી આવી હતી, અને આ સેકટરના ઈન્ડેક્સ માઈનસમાં બંધ રહ્યા હતા.
  • રોકડાના શેરોમાં વેચવાલીથી નરમાઈ હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 130.89 ઘટ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 213.04 ઘટ્યો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]