રાજકોટ : એક પછી એક કિસ્સા એવા છે કે રવિવારે સાંજે થાળી વગાડી હતી એમ સતત વગડયે રાખવાનું મન થાય. અત્યારે સ્થિતિ તો એ છે કે સામાન્ય વ્યકિતએ ઘરની બહાર જ નીકળવાનું નથી. સ્વસ્થ વ્યક્તિ પણ તકેદારી રાખે એ અનિવાર્ય છે. એ સંજોગોમાં રાજકોટ મહાનગર પાલિકાના એક કર્મચારી- વોર્ડ ઓફિસર કિંજલ ગણાત્રા પોતે સગર્ભા હોવા છતાં આ કપરી કામગીરીમાં વ્યસ્ત છે. પોતાના જ શરીરની અંદર એક જીવ ધબકી રહ્યો છે. એક ચેતના ધબકી રહી છે. પરંતુ કિંજલબહેન સતત ફરજરત છે. એમને અને એમના પરિવાર બન્નેને ધન્યવાદ આપવા જ રહ્યા.
આપણે એક કહીએ કે જીવના જોખમે કામ કરે છે…આ કિંજલ ગણાત્રા તો એક નહીં, બે જીવના જોખમે કામ કરે છે. જો કે આવી રીતે કામ કરનારને તો કુદરત પણ અઢળક આશીર્વાદ આપે જ .
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આ વિશે કહ્યું કે આવા કર્મચારી માટે અમને પણ ગૌરવ છે. કિંજલબેન ને વોર્ડ નંબર. ૨ માં જવાબદારી સોંપાઈ છે. કઈ દુકાન ખુલ્લી રહેશે? ક્યારે ખુલ્લી રહેશે એના સ્ટીકર લગાવવા, લોકોને જાગૃત કરવાથી લઈ વેપારીઓ સાથે વાત કરવા સહિતની કામગીરી એ કરી રહ્યા છે..એમને ગર્ભાવસ્થાનાનો છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે પણ તેઓ પોતાની ટીમનું નેતૃત્વ કરી પોતાના વોર્ડમાં તેમની કામગીરી નિભાવી રહયા છે.
(જ્વલંત છાયા-રાજકોટ)
