રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલઃ અમદાવાદમાં વરસાદ

અમદાવાદઃ હવામાન વિભાગ તરફથી રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ખેડા અને આણંદ સહિતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાય એવી શક્યતા છે. વિભાગની આગાહી મુજબ અમદાવાદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.  શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા,વસીટીએમ, રામોલ, વસ્ત્રાલ,અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં ભારે વરસાદ પડતાં વાહનચાલકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વાપીમાં ત્રણ ઇંચ, વલસાડમાં, અઢી ઈંચ, કપરાડામાં અઢી ઇંચ, પારડીમાં બે ઇંચ, વડોદરામાં પોણો ઇંચ, લખપતમાં એક ઇંચ, વાલોદમાં એક ઇંચ અને બારડોલીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે 207 ડેમોમાં 85 ટકા જળસંગ્રહ થયો છે. હાલમાં રાજ્યમાં 64 ડેમ ઓવરફ્લો થયા છે, આ ડેમ પૈકી સૌરાષ્ટ્રમાં 34, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના આઠ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતના ત્રણ ડેમ 100 ટકા ભરાયા છે. રાજ્યમાં 98 ડેમ હાઈ એલર્ટ ઉપર મુકાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 93.39 ટકા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં સીઝનનો 101.07 ટકા વરસાદ નોંધાયો છે. જોકે  રાજ્યમાં 15 તાલુકાઓમાં 50 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે.