અમદાવાદ– ગુજરાતમાં વાતાવરણ પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવો વરસાદ થશે. જો કે આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ જ મોટો વધારો નોંધાશે નહી.સાઉથ ગુજરાત રીજીયન ઉપર અને દરિયાની સપાટીથી 3.1 કિલોમીટરના ઘેરાવામાં અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે, જેને પગલે ગુજરાતમાં આગામી બે દિવસ ગરમીમાં થોડી રાહત મળશે, તાપમાનમાં કોઈ મોટો વધારો થશે નહી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 48 કલાક દરમિયાનમાં સૌરાષ્ટ્ર, દીવ, કચ્છ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ આવી શકે છે.
ગઈકાલે રવિવારે તાપમાનમાં આંશિક ઘટાડો થયો હતો. સૌથી વઘુ તાપમાન ભૂજમાં 41 ડિગ્રી નોંધાયું હતું, તે સાથે સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી, વડોદરામાં 40.1 ડિગ્રી નોંધાયું હતું. બાકીના અન્ય શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નીચે રહ્યું હતું.