અમદાવાદઃ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કપાસ, મગફળી બાજરી અને અન્ય પાકોની વાવણી માટે ખેડૂતોએ દેવું કરીને વાવેતર કર્યું હતું. પરંતુ હવે કમોસમી વરસાદના કારણે ખેતરો પાણી-પાણી થઈ ગયા છે. ખેતરોમાં રહેલો ઉભો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને પડ્યા પર પાટુ જેવી સ્થિતી થઈ છે.
વધુ પડતા વરસાદ અને કમોસમી વરસાદના કારણે 80% જેટલા પાકો બળી ગયાં છે. જેમાં મગફળી, બાજરી, કપાસ તથા અન્ય પાકોને ભારે નુકશાન થવા પામ્યુ હતું. 20% પાકો જે જીવનદાન મળે એમ હતું તે પણ દિવાળીનાં દિવસોમાં પણ વરસાદી માવઠું પડયું હતું, જેના કારણે ધોરાજી તથા જામકંડોરણા પંથકનાં ખેડૂતોની માઠી દશા થવાં પામી છે. ત્યારે મુખ્ય પાકો જેવાં કે મગફળી, કપાસ તથા અન્ય પાકને ભારે નુકશાન થવા પામ્યુ છે.
હાલ ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે મોંઘા ભાવોના જંતુનાશક દવાઓ તથા બિયારણો લઈને ખર્ચ પણ માથે પડ્યો છે શિયાળું પાક લેવાં માટે ખેડૂતો પાસે રૂપિયા નથી. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
સરકાર દ્વારા જે ગતવર્ષનો અને આ વર્ષનો પાક વિમો તાત્કાલિક ધોરણે આપે અને ધોરાજી પંથક અને અન્ય પંથકમાં જે વરસાદનાં કારણે ખેડૂતોને નુકશાન થયું હોય તેવાં તાલુકાઓને લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે. હાલ તો ખેડૂતો દેવાનાં ડુંગરમાં ડુબી ગયાં છે. જો સરકાર કોઈ સરકારી જાહેરાત કરે તો જ ખેડૂતો ઉભા થઈ શકે તેમ છે નહીંતર ખેડૂતોને દવા પીવાનો વારો આવશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.