મેઘરાજા પણ દીવાળીની ઉજવણી કરવા ગુજરાતમાં પધાર્યા!!

અમદાવાદઃ ગુજરાતમાં ક્યાર સાયક્લોનની અસર દેખાઈ રહી છે. ગઈકાલે મોડી સાંજથી મોડી રાત સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. જો કે હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાત પરથી ક્યાર સાયક્લોનનો ખતરો ટળી ગયો છે પરંતુ તટીય વિસ્તારોમાં હજી પણ આની અસર રહેશે. જેને પગલે માછીમારોને સમુદ્રમાં ન જવા માટે સલાહ આપવામાં આવી છે. દિવાળીની રજાઓમાં વરસાદ થવાથી અનેક લોકો નિરાશ થયા છે.

આગામી ચાર દિવસ હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. તો બીજી તરફ, મંગળવારે રાજ્યના 27 જિલ્લાના 46 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો. ગુજરાત પરથી ‘ક્યાર’ વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે, પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમા વરસાદ વરસી શકે છે.

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં માવઠું પડ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે. શિયાળુ પાકમાં વાવેલા મગફળી, ડાંગર અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે. માવઠાને કારણે જગતના તાતની મહેનત એળે ગઈ છે. કમોસમી વરસાદે ખેતરનો તૈયાર પાક બગાડ્યો છે. કમોસમી વરસાદને કારણે કપાસના જીંડવા પણ ખરી પડ્યા છે.

કમોસમી વરસાદને કારણે સૌથી વધુ નુકશાન ડાંગરના પાકને થયું છે. ડાંગરના પાકનો સોથ બોલાઈ ગયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં ૬૦-૭૦ કરોડનું ડાંગર પકવતા ખેડૂતોને એક રાતના વરસાદને કારણે રોવાનો વારો આવ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ જો વરસાદ હજી વરસશે, તો નુકસાનીનો આંકડો વધવાની શક્યતા છે. સાણંદ તાલુકાના મટોડા સહિત સાણંદના ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારે વરસાદ પડવાથી ખેડૂતોએ ડાંગરની કાપણી કરેલાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે પાક બગડી ગયો છે. આમ, રાજ્યભરના ખેડૂતો રાજ્ય સરકાર પાસે વળતરની અપેક્ષા રાખી રહ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]