રાજ્યમાં વરસાદે લીધો વિરામ, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: હાલ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે. આ વચ્ચે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અને ગરમીને લઈને આગાહી કરી છે. રાજ્યમાં અત્યારસુધી સિઝનના સામાન્ય વરસાદ કરતાં 48 ટકા  વધુ વરસાદ નોંધાયો છે. તેવામાં રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની તીવ્રતા ઘટતી હોવાથી ભારે વરસાદની આગાહી નથી. આ ઉપરાંત આગામી સાત દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે. કચ્છમાં પાંચમા, છઠ્ઠા અને સાતમા દિવસે વાતાવરણ સૂકું રહેશે.

મળતી માહિતી અનુસાર આ વર્ષે ચોમાસાની સિઝનમાં એટલે કે 1 જૂનથી લઈ 14 સપ્ટેમ્બર સુધીમાં 969 મીલી મીટર વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે 661 મીલમીટર હોવું જોઈએ. એટલે કે કુલ સરેરાશથી 47 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઝોન વાઈસ વાત કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છ રીઝનમાં 870 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જે સામાન્ય રીતે 498 મિલીમીટર હોવું જોઈએ. આમ, આ રીઝનમાં 75 ટકા વધુ વરસાદ થયો છે. હાલ રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાં વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં આકાશ ખુલ્લું દેખાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાનું અનુમાન છે. વરસાદી સિસ્ટમ વિશે હવામાન વિભાગે જણાવ્યું કે, રાજસ્થાનમાં હાલ એક સિસ્ટમ સક્રિય હોવાથી આજે સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.