વિશ્વ સંસ્કૃત દિવસે રેડિયો યુનિટીની નવતર પહેલ

ગાંધીનગરઃ: ગુજરાત પ્રવાસનને વૈશ્વિક ફલક પર લઈ જનારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં રેડિયો યુનિટી 90 FM લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં સ્થાનિક આદિવાસી યુવક અને યુવતીઓ RJ બનીને પ્રવાસીઓનું મનોરંજન અને જ્ઞાનવૃદ્ધિ કરાવે છે. તેમના ઉત્સાહમાં ઉમેરો કરવા અને સંસ્કૃત ભાષાનું મહત્વ વધારવા માટે 12 ઓગસ્ટના ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ પર આખો દિવસ રેડિયો યુનિટી પર સંસ્કૃત ભાષામાં પ્રસારણ કરવામાં આવશે અને સાથે તેનો અનુવાદ પણ કરવામાં આવશે, જેથી શ્રોતાઓ સરળતાથી સમજી શકે. આ દિવસે રેડિયો યુનિટી પર નર્મદાષ્ટકની સંસ્કૃતમાં સમજ આપવામાં આવશે એ સાથે જ સંસ્કૃત-એક વૈજ્ઞાનિક ભાષા, સરદારસાહેબના જીવન-ચરિત્ર અને તેમણે દેશને એક કરવામાં આપેલ યોગદાન પર ચર્ચા કરવામાં આવશે. એકતા નગરના તમામ આકર્ષણો અંગે પણ સંસ્કૃતમાં રજૂઆત કરવામાં આવશે.

રેડિયો યુનિટીમાં રેડિયો જોકી તરીકે અહીંના સ્થાનિક એવા ગુરુચરણ તડવી, હેતલ પટેલ, ડો. નીલમ તડવી અને ગંગા તડવી કામ કરી રહ્યાં છે. સૌપ્રથમ તમામને સંસ્કૃત ભાષાની તાલીમ આપીને RJ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ અગાઉ ‘મન કી બાત’માં પીએમ મોદીએ પણ આદિવાસી યુવક -વતીઓના કામની સરાહના કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પનાથી કોમ્યુનિટી રેડિયો ‘રેડિયો યુનિટી’ સાકાર થયું છે. વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે પણ દિવસભર સંસ્કૃતમાં વાત કરવામાં આવશે. રેડિયો યુનિટીમાં RJ હેતલ પટેલે જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા તમામ ભાષાઓની જનની છે ત્યારે રેડિયો યુનિટી 90 FM પર અમને સંસ્કૃતમાં પણ અમને વાત રજૂ કરવાનો મોકો મળે છે, જે અમારા માટે ગૌરવની બાબત છે.

અમે અમારી વાત સંસ્કૃતમાં કાંઈક આવી રીતે રજૂ કરીએ છીએ…

“भवनतः श्रुणवन्ति रेडियो यूनिटी नवति एफएम मम इत्युक्ते हेतल सह एक भारतम श्रेष्ठ भारतम””

RJ ગુરુચરણ તડવીએ કહ્યું હતું કે અમને 52 દિવસ એકતાનગરમાં અને 15 દિવસ કાશીમાં સંસ્કૃતની વ્યાપક તાલીમ આપવામાં આવી અને હવે અમારી પસંદગી રેડિયો યુનિટી પર રેડિયો જોકી તરીકે કરવામાં આવી છે. હવે અમે ગુજરાતી હિન્દી અને અંગ્રેજીની સાથે અમે સંસ્કૃતમાં પણ માહિતી આપીએ છીએ.