દિવાળીમાં ફરવા માટે ભીડથી દૂર, ગુજરાતનાં ‘ઓફબીટ’ ડેસ્ટિનેશન્સ!

દિવાળીની રજાઓ એટલે હરવા-ફરવાની મોસમ, પણ જ્યાં જુઓ ત્યાં માણસોનું કીડિયારું ઉભરાય! જાણીતા ફરવાલાયક સ્થળો પર શાંતિ શોધવા જવાને બદલે ટ્રાફિક અને ઘોંઘાટનો જ સામનો કરવો પડે છે. જો તમે વેકેશનની આ ભીડભાડથી દૂર જઈને, કોઈ એકાંત ખૂણે પ્રકૃતિના ખોળામાં નિરાંતનો શ્વાસ લેવા માંગતા હોવ, તો ગુજરાત પાસે એવા અનેક છુપાયેલા રત્નો છે.

આ સ્થળોએ હજુ પણ પોતાની અસલી અને પ્રાકૃતિક સુંદરતા જાળવી રાખી છે. વાત કરીએ ગુજરાતના ‘ઓફબીટ’ ડેસ્ટિનેશન્સ વિશે…

મિયાણી બીચ, પોરબંદર

જો તમને દરિયાકિનારે બેસીને શાંતિથી સૂર્યાસ્ત જોવો ગમતો હોય, તો પોરબંદરથી થોડા અંતરે આવેલો મિયાણી બીચ તમારા માટે સ્વર્ગ સમાન છે. હર્ષદ માતાના પવિત્ર મંદિરની તળેટીમાં આવેલો આ બીચ હજુ પણ ભારે વ્યવસાયિકરણથી મુક્ત છે. અહીંની રેતી અત્યંત સ્વચ્છ છે અને પાણી એકદમ નીલવર્ણું દેખાય છે. જાણીતા બીચ પર જોવા મળતી પ્લાસ્ટિકની ગંદકી કે ઘોંઘાટ અહીં નથી. પરિવાર સાથે શાંતિથી કલાકો ગાળવા માટે આ એક આદર્શ અને રમણીય સ્થળ છે. અહીં પહોંચવા માટે પોરબંદરથી (લગભગ 30 કિમી) ખાનગી વાહન બેસ્ટ છે અને રાત્રિ રોકાણ માટે પોરબંદર શહેરમાં સારી હોટલ્સ મળી રહેશે. મિયાણી બીચની સાથે નજીકમાં આવેલા કૂછડી પક્ષી અભયારણ્ય અને વિસાવાડા જેવા શાંત સ્થળોની મુલાકાત પણ લઈ શકાય.

પદમડુંગરી, તાપી

દક્ષિણ ગુજરાતની લીલોતરી માણવી હોય તો તાપી જિલ્લામાં ઉનાઈ નજીક આવેલ પદમડુંગરી ઇકો-ટુરિઝમ સાઇટ શ્રેષ્ઠ વિકલ્પ છે. અંબિકા નદીના કિનારે અને સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં આવેલું આ સ્થળ ગાઢ જંગલોથી ઘેરાયેલું છે. અહીં વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ટ્રી-હાઉસ અને ટેન્ટની સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેનું ઓનલાઇન બુકિંગ કરાવી શકાય છે. નદીમાં બોટિંગ અને આદિવાસી સંસ્કૃતિનો પરિચય આ પ્રવાસને ખરા અર્થમાં યાદગાર અને મદદરૂપ બનાવે છે. દૂરથી આવતા લોકો સવારે અહીં પહોંચીને જંગલ ટ્રેકિંગ અને નદીકિનારાની મજા માણી શકે. દિવાળીના સમયે અહીંના ટ્રી-હાઉસ કે ટેન્ટનું એડવાન્સ બુકિંગ ફૂલ હોય તો રાત્રિ રોકાણ માટે અહીંથી નજીક આવેલા વ્યારા કે નવસારી શહેરમાં સારી સગવડ મળી જશે.

ગોપનાથ બીચ, ભાવનગર

ભાવનગર જિલ્લામાં આવેલો ગોપનાથ બીચ અન્ય સામાન્ય દરિયાકિનારાઓ કરતા એકદમ અલગ અનુભવ આપે છે. આ બીચ રેતાળ ઓછો અને પથરાળ વધારે છે. જ્યારે દરિયાના મોજાં અહીંના ખડકો સાથે ટકરાય છે, ત્યારે ઉડતા પાણીના છાંટા નયનરમ્ય દ્રશ્ય સર્જે છે. દરિયાની મજાની સાથે અહીં 700 વર્ષ જૂનું ઐતિહાસિક ગોપનાથ મહાદેવનું મંદિર અને ભાવનગરના રાજવીઓનો પ્રાચીન મહેલ (હવામહેલ) પણ આવેલો છે, જે ઇતિહાસમાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે બોનસ સમાન છે. એક દિવસના પ્રવાસમાં સવારે તળાજાની પ્રાચીન બૌદ્ધ ગુફાઓ જોઈને બપોર પછીનો સમય ગોપનાથ બીચ પર વિતાવી શકાય. રાત્રિ રોકાણ માટે ગોપનાથ પેલેસનો વિકલ્પ છે, અથવા નજીકના તળાજા કે ભાવનગર શહેરમાં સારી હોટલ્સ મળી રહેશે.

જેસોર ડુંગર અને અભયારણ્ય, બનાસકાંઠા

જો તમને જંગલ ટ્રેકિંગ અને સાહસનો શોખ હોય, તો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક આવેલું જેસોર રીંછ અભયારણ્ય એક પરફેક્ટ ઓફબીટ ડેસ્ટિનેશન છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો આ ગાઢ જંગલ વિસ્તાર ખાસ કરીને ‘સ્લોથ બેર’ (રીંછ) માટે જાણીતો છે. અહીં પહાડ પર આવેલા કેદારનાથ મહાદેવના મંદિર સુધીનું ટ્રેકિંગ પ્રકૃતિપ્રેમીઓને જંગલના અસલી રોમાંચનો અનુભવ કરાવે છે. અહીં રીંછ ઉપરાંત દીપડા, ઝરખ અને અનેક પક્ષીઓનો મુક્ત વસવાટ છે. લીલાછમ વૃક્ષો અને શાંત વાતાવરણ વચ્ચે પહાડી ચઢાણ કરવા માંગતા લોકો માટે ગીર કે સાપુતારાના વિકલ્પે આ સ્થળ ઉત્તમ છે. અહીં વહેલી સવારે ટ્રેકિંગ શરૂ કરવું શ્રેષ્ઠ છે, જેથી બપોર સુધીમાં પ્રકૃતિને મનભરીને માણી શકાય. ત્યારબાદ નજીકના બાલારામ મહાદેવની મુલાકાત લઈ શકાય. રાત્રિ રોકાણ માટે અહીંથી માત્ર 25 કિલોમીટર દૂર પાલનપુર શહેરમાં ઉત્તમ હોટલ્સ ઉપલબ્ધ છે.

કડિયા ધ્રો, કચ્છ

કચ્છમાં સફેદ રણ કે માંડવી બીચ સિવાય પણ ઘણું જોવા જેવું છે. નખત્રાણા તાલુકામાં આવેલું ‘કડિયા ધ્રો’ એક એવું જ છુપાયેલું અને અદભુત પ્રાકૃતિક આશ્ચર્ય છે. નદીના પાણી અને પવનના સતત ઘસારાથી અહીંના ખડકો પર અનોખી અને સુંદર કોતરણી સર્જાઈ છે, જેના કારણે તેને કચ્છનું ‘ગ્રાન્ડ કેન્યન’ કહેવામાં આવે છે. અહીંના રંગબેરંગી પથ્થરો અને તેની વચ્ચે શાંતિથી વહેતું પાણી એક એવું નયનરમ્ય દ્રશ્ય સર્જે છે કે પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ જાય. સફેદ રણની ભીડભાડથી સાવ અલિપ્ત આ જગ્યા ફોટોગ્રાફીના શોખીનો અને એકાંત માણવા માંગતા લોકો માટે કોઈ છુપાયેલા ખજાનાથી કમ નથી. દૂરથી આવતા પ્રવાસીઓ સવારે નિરોણા ગામની (રોગાન આર્ટ માટે) મુલાકાત લઈ બપોર પછી કડિયા ધ્રો જઈ શકે છે. આ વિસ્તાર સાવ અંતરિયાળ હોવાથી, રાત્રિ રોકાણ માટે અહીંથી નજીક આવેલા નખત્રાણા કે ભુજ શહેર વિકલ્પ છે.

(હેતલ રાવ)