બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશન પોરેચા આઈ હોસ્પિટલ, બારેજા દ્વારા વર્લ્ડ ગ્લુકોમા વીકની ઉજવણીના ભાગરૂપે બારેજા નગર પાલિકા વિસ્તારમાં વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલી દ્વારા ગ્લુકોમા રોગ અંગે જનસામાન્યમાં અવગમણ વધારવા માટે બેનરો, પેમ્પલેટ્સ અને જાહેર મંચ દ્વારા માહિતી પ્રસારિત કરવામાં આવી.
વર્લ્ડ ગ્લુકોમા વીક દર વર્ષે વિશ્વભરમાં લોકોમાં ગ્લુકોમા વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવાય છે. ગ્લુકોમા એ આંખો માટે એક ગંભીર રોગ છે, જે ધીમે-ધીમે દ્રષ્ટિ ગુમાવવાનું કારણ બને છે. જો સમયસર તપાસ અને સારવાર કરવામાં ન આવે તો તે કાયમી અંધત્વ તરફ દોરી શકે છે. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોને નિયમિત આંખની તપાસ માટે પ્રોત્સાહિત કરવો અને તબીબી માર્ગદર્શનના મહત્વને ઉજાગર કરવાનો છે.
ઉજવણી દરમિયાન શેઠ જમનાભાઈ ભગુભાઈ ઓપ્ટોમેટ્રી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક જાગૃતિ નાટક રજૂ કરવામાં આવ્યું, જેમાં ગ્લુકોમા વિશેની માહિતી, તેના પ્રભાવ અને સમયસર સારવારની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. નગરજનો તેમજ વિવિધ સ્વસંસ્થા પ્રતિનિધિઓએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો. બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશન પોરેચા આઈ હોસ્પિટલ આંખના આરોગ્ય ક્ષેત્રે સતત કાર્યરત છે અને આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રયત્નશીલ છે.
