અમદાવાદઃ એક સમય એવો હતો કે અનેક પ્રભાતિયાંથી આપણી સવાર પડતી હતી પણ તે સમય અને પ્રભાતિયાં ક્યાં ગયા તે ખ્યાલ જ નથી આવતો!?
‘હે … જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ?
હે … જાગને જાદવા’
આપણા પ્રભાતિયાંનો પમરાટ નવી પેઢી સુધી પહોંચે અને અન્ય સૌ પણ તેના મર્મને સમજી શકીએ તે હેતુસર અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2023માં 29 ડિસેમ્બરે પ્રભાતિયાં અને ભક્તિગીતોનો ઉપક્રમ ‘ જીવન પંથ ઉજાળ’ રજૂ કર્યો હતો. આ ઉપક્રમમાં યુવા કલાકારો સર્વશ્રી જૈમિન વૈદ્ય, ઉપાસના વ્યાસ, યજ્ઞાંગ પંડ્યા, રાહિલ ભટ્ટ, નીલ વ્યાસ અને કીર્તન ઘારેખાન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસ્તુતિમાં – ‘માડી તારું કંકુ ખર્યુંને સૂરજ ઉગ્યો, હે કાનુડા મેં તોરી ગોવાલણ, જાગને જાદવા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, ઓમ તત્સત શ્રી નારાયણ તું, હરિ તુ ગાડું મારું ક્યાં લઇ જાય, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ વગેરે ગીતો તેમ જ પદો હતાં. આ કાર્યક્રમનું સંચાલન યુવા લેખક અને વક્તા દધીચિ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મણિનગરના ધારાસભ્ય અમૂલભાઇ ભટ્ટ, અમદાવાદના પૂર્વ મેયર અસિતભાઈ વોરા અને મણિનગરના મ્યુ. કાઉન્સિલર ડો. ચંદ્રકાંતભાઈ ચૌહાણ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા.